સિક્કામાં લોહાણા વેપારીના ગોડાઉનમાંથી ચોરી કરવા આવેલો પૂર્વ કર્મચારી રંગેહાથ ઝડપાયો

0
3020

સિકકામાં ગોડાઉનમાંથી ચોરી કરવા આવેલો પૂર્વ કર્મચારી રંગેહાથ ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ ડિસેમ્બર ૨૨ જામનગર નજીક સિક્કામાં પંચવટી કોલોનીમાં રહેતા અને સિક્કામાં ”જલારામ એન્ટરપ્રાઇઝ” નામની બાલાજી કંપની ના હોલસેલ ના માલ સામાનના વેચાણની પેઢી ધરાવતા જયેશભાઈ જગજીવનભાઈ બદીયાણી નામના વેપારીએ પોતાના ગોદામમાંથી ચોરી કરી જવા અંગે સિક્કામાં જ રહેતા અને પોતાને ત્યાં અગાઉ કામ કરી ચૂકેલા ”મુસ્તાક સુમરા” નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી મુસ્તાક સુમરા, કે જે લાંબા સમયથી પોતાના ગોડાઉનમાં જ ફરજ બજાવતો હતો. પરંતુ તાજેતરમાં તેના પર માલ સામાન સગેવગે કરવા ની શંકા જતાં તેને ગોદામમાંથી છૂટો કરી દેવાયો હતો. તેમ છતાં પણ હજુ ગોદામમાંથી ચોરી થતી હોવાનું જાણવા મળતાં તાજેતરમાં મોડી રાત્રે વેપારી જયેશભાઈ બદીયાણી અને તેના અન્ય કર્મચારીઓ દ્વારા ગોદામમાં વોચ રાખવામાં આવી હતી, અને કેટલાક કર્મચારીઓ ગોદામમાં સંતાયેલા હતા.

તે દરમિયાન વહેલી સવારે 6.00 વાગ્યાના અરસામાં મુસ્તાક સુમરા રીક્ષા લઈને ચોરી કરવા આવ્યો હતો, અને ગોદામમાં દરવાજા તોડીને અંદર ઘૂસ્યો હતો, દરમિયાન હાજર રહેલા કર્મચારીઓ વગેરેએ તેને રંગે હાથ પકડી પાડ્યો હતો, અને સિક્કા પોલીસ મથકમાં સુપ્રત કર્યો છે. વેપારી દ્વારા છેલ્લા છ મહિનાનો હિસાબ કિતાબ કરતાં કુલ 3,80,883 ની કિંમતના માલ સામાનની કટકે કટકે ચોરી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જયેશભાઈ બદીયાણીની ફરિયાદના આધારે આરોપી મુસ્તાક સુમરા સામે ચોરી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે, અને હાલ તેને કોરેન્ટાઇન કરીને રાખવામાં આવ્યો છે. સમગ્ર મામલે સિક્કાના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ ગાંભવા વધુ તપાસ ચલાવી રહ્યા છે.