જામનગર પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ ટીપણી કરનાર પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળાનુ દહન
- જામનગર શહેર ભાજપ લાલધૂમ : રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ ડીસેમ્બર ૨૨: જામનગરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટોના પૂતળાનુ દહન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ ટીપણી કરવા ને લઈને ભારે વિરોધ સાથે જામનગરમાં ભાજપે પાકિસ્તાનના વિદેશ મંત્રી નું પૂતળું બાળ્યું છે. અને પાકિસ્તાનના નારા લગાવી જામનગર કલેકટર કચેરીએ ભાજપના ધારાસભ્યો મેયર અને પાર્ટીના આગેવાનો કાર્યકરોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો કે જેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી હોવાથી તેનો વિશ્વભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગર શહેર ભાજપ દ્વારા પાક વિદેશ મંત્રી નો વિરોધ કરવાના ભાગરૂપે બીલાવલ ભુટ્ટોના પૂતળાનું જાહેરમાં દહન કરવામાં આવ્યું હતું.
નગરના મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલ કગથરા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા શહેર ભાજપના અન્ય અગ્રણીઓએ એકત્ર થઈને પૂતળાને ચપ્પલ માર્યા પછી તેનું દહન કર્યું હતું. ત્યારબાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કરેલી અપમાનજનક ટિપ્પણી સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું છે. બીજેપીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, દેશભરના તમામ રાજ્યોની રાજધાનીઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપના કાર્યકરો પાકિસ્તાન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળા સળગાવશે અને તેમના શરમજનક નિવેદનની સખત નિંદા કરશે.