જામનગરમાં મહાશિવરાત્રિએ 41મી શિવશોભાયાત્રા રંગેચંગે સંપન્ન : શહેરના રાજમાર્ગો ઉપરથી ઠાઠ-માઠથી નિકળી શિવજીની સવારી
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ખાસ ઉપસ્થિતિ.
સાંસદ પૂનમબેન, ધારાસભ્ય હકુભા જાડેજા, મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, શહેર-જીલ્લા ભાજપના ડૉ.વિમલ કગથરા, વિજયસિંહ જેઠવા, વિરલ બારડ, યતિન પંડ્યા, ચિરાગ અસ્વાર, કીશન વઢવાણા, કેતન કોટક, કમલેશ ભરવાડ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા.
જામનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસવડા નિતેશ પાંડેય એ શિવજીની પાલખી ઉંચકી ધન્યતા અનુભવી.
જામનગરમાં સૌપ્રથમ વખત મુસ્લિમ સમાજ પછી દાઉદી વોરા સમાજ તેમજ ક્રિશ્ચન સમાજ દ્વારા પણ પાલખીનું પૂજન કરાયું.
દેશ દેવી ન્યુઝ જામનગર 02. જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ ના નેજા હેઠળ ગઇકાલે મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિતે પરંપરાગત રીતે એકતાલીસમી ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઇ હતી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પાલખીનુ પુજન કરીને પ્રસ્થાન કરાવાયુ હતું. જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ હતી.
બપોરે 4.30 વાગ્યે પુરાણ પ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થઇ કે. વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફીસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે 01:30 વાગ્યે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં વિવિધ જ્ઞાતિના મંડળો, સ્વૈચ્છીક સંસ્થા, સંગઠનોના હોદે્દારો દ્વારા 28 થી પણ વધુ સુંદર આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા, અને હર હર મહાદેવના નારા સાથે આકાશ ગુંજી ઉઠતાં શિવમય વાતાવરણ બન્યું હતું. અંતમાં મુકાયેલી ભગવાન શિવજીની રજત મઢિત પાલખીના ‘છોટી કાશી’ના અનેક શિવભકતોએ દર્શનનો લાભ લીધો હતો.
પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાના રૂટ પર પગપાળા ચાલીને ભગવાન શિવજીની પાલખી ખંભા પર ઉચકી હર હર મહાદેવના ગગન ભેદી નારા લગાવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી. ઉપરોકત શિવ શોભાયાત્રા નાગેશ્ર્વર મંદિર થઇ નાગનાથ ગેઇટ, કે.વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, દરબાર ગઢ, બર્ધન ચોક, ગોવાળ ફળી, પંચેશ્ર્વર ટાવર, નિલકંઠ ચોક થઇ રાત્રીના 01:30 વાગ્યે ભીડ ભંજન મહાદેવના મંદિરે પૂર્ણ થઇ હતી.
જયાં મહા આરતી સાથે પુજન અર્ચન કરાયું હતું. નગરમાં યોજાતી એકતાલીસમી શિવ શોભાયાત્રામાં ગઇકાલે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપરાંત રોશનીથી ઝળહળીત અને સુવર્ણ અલંકારોથી સુશોભિત રજત મઢિત પાલખી નિહાળવા અને ભગવાન શિવજીના આસુતોષ સ્વરૂપના દર્શન કરવા માટે ભાવિકોએ ઠેર-ઠેર ભીડ જમાવી હતી અને મોડે સુધી દર્શન માટે રાહ જોઇને બેઠેલા ભકતજનોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જામનગર જિલ્લાના તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારીઓએ આશુતોષ સ્વરૂપના મહાદેવની રજત મઢીત પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી. અને નિલકંઠ મહાદેવ મંદિરથી ભીડભંજન મહાદેવ મંદિર સુધી પગપાળા પાલખી ઉંચકીને પહોંચ્યા હતા, અને સમગ્ર પોલીસ વિભાગમાં શિવમય વાતાવરણ બનાવી દીધું હતું.
જામનગર જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નિતીશકુમાર પાંડેય, જામનગરના એસ.ટી.એસ.સી. સેલના ડી.વાય.એસ.પી. જી.એસ. ચાવડા, દેવભૂમિ દ્વારકાના ડી.વાય.એસ.પી. સમીર શારડા ડી.વાય.એસ.પી. ચાવડા, સીટી એ. ડીવીઝન ના પી.આઇ. મહાવીરસિંહ જે.જલુ, સીટી બી. ડીવી. પી.આઇ. કે. જે. ભોયે, પી.એસ.આઇ. દેવમુરારી, આર.બી. ગોજીયા, કે. કે. ગોહિલ, કૌશિક સીસોદીયા, ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ અને સીટી એ. ડીવીઝન તથા સીટી બી. ડીવીઝનના ડી. સ્ટાફ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સતત દોઢ કિલોમીટર સુધી પગપાળા ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉંચકી હરહર મહાદેવના ગગનભેદી નારા લગાવ્યા હતા, ત્યારે સમગ્ર પોલીસ વિભાગ શિવમય બન્યો હતો, અને અનેક શિવભકતો આ અનન્ય નઝારો નિહાળીને આનંદીત થયા હતા. પોલીસ અધિકારી – કર્મચારી તેમજ જામનગર શહેરના અન્ય અગ્રણીઓ વગેરેએ ભગવાન શિવજીની પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી જેથી છોટીકાશીનું બિરૂદ પામેલી જામનગરની નગરી હકીકતમાં શિવનગરી બની હતી.