જામનગર નજીક ગોજારા અકસ્માતમાં 4 લોકોના મોતથી અરેરાટી

0
7050

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે સચાણા રોડ પર આઇટેન કાર અને ટ્રક ટેલર વચ્ચેના ગોઝારા અકસ્માતમાં ચાર વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ

  • અકસ્માત એટલો ભયંકર હતો કે કારની અંદર બેઠેલા બે યુવાનોના મૃતદેહને ફાયર બ્રિગેડે જેસીબીની મદદ લઈ પતરા કાપી બહાર કાઢવા પડ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ એપ્રિલ ૨૪ જામનગર નજીક જાંબુડા પાટીયા પાસેથી સચાણા ગામ તરફ જવાના માર્ગે સાંજના સમયે એક આઈટેન કાર અને ટ્રક ટેલર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો અને કારની અંદર બેઠેલા ચાર યુવાનો પૈકી ત્રણ યુવાનોના અંતરિયાળ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત એટલો ભયંકર હતો, કે જેસીબી ની મદદથી ટ્રક ટ્રેલર ને બહાર ખેંચ્યા પછી કારના પતરા કાપી અંદરથી મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને વધુ તપાસ શરૂ કરી હતી.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક જાંબુડાના પાટીયા થી સચાણા તરફ જવાના માર્ગે સાંજના સમયે પુરપાટ ઝડપે આવી રહેલા કચ્છ ના અનુ ટ્રાન્સપોર્ટ કંપનીની માલિકીના જી.જે. ૧૨ બી.વી. ૩૦૭૧ નંબરના ટ્રક ટ્રેલરના ચાલકે સામેથી આવી રહેલી જી.જે.૧૦ બી.આર. ૩૨૦૧ નંબરની આઈ-૧૦ કારને ઠોકર મારી દેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને કારનું પડીકું વળી ગયું હતું.

આ અકસ્માતના બનાવની જાણ થતાં સૌપ્રથમ ૧૦૮ ની ટીમને દોડાવાઈ હતી, અને ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, જેઓએ સ્થાનિક લોકો તેમજ અન્ય વાહનચાલકો- રાહદારીઓ વગેરેની મદદથી કારની પાછળની સીટમાં બેઠેલા બે યુવાનોને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડયા હતા. જ્યાં એક યુવાનનો મૃતદેહજ હોસ્પિટલમાં પહોંચ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું. જ્યારે અન્ય એક યુવાન ગંભીર હાલતમાં હોવાથી તેને જી.જી. હોસ્પિટલના સારવાર અપાઈ રહી છે, અને તે પણ જીવન મરણના ઝોલા ખાય આજે સવારે દમ તોડ્યો હતો જેથી મૃતક નો આકડો ચાર થયો હતો

આ ઉપરાંત આઈ-ટેન કાર ની આગળ ની સીટમાં બેઠેલા બે યુવાનો કારની અંદર દબાઈ ગયા હોવાથી તેઓના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. જેઓ બહાર નીકળી શકે તેવી પોઝિશન ન હોવાથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી, અને ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને જે.સી.બી. ની મદદથી ટ્રક-ટેલરની બોડીને બહારની તરફ ખેંચતી હતી, ત્યારબાદ ના પતરા કાપી ને બંને યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માત દરમિયાન કારની અંદર બેઠેલા ચાર યુવાનો પૈકી ૩ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા, જ્યારે એક યુવાન પણ બેશુદ્ધ અવસ્થામાં હોવાથી તેઓની ઓળખ થઈ શકી ન હતી. દરમ્યાન કારના નંબરના આધારે તેના માલિકને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. જે કાર પણ અન્ય વ્યક્તિની માલિકીની હતી, તેને સ્થળ પર તેમજ જી.જી. હોસ્પિટલમાં બોલાવાયા પછી મૃતકો ની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન મૃતકોને ઓળખ થઈ હતી, અને ત્રણેય મૃતકો ના નામ વિશાલ દીપકભાઈ સરવૈયા (ઉંમર વર્ષ ૩૫) સાહિલ સુભાષભાઈ લીંબડ (ઉંમર વર્ષ ૧૯) અને રોહિત ડાયાભાઈ (ઉંમર વર્ષ ૧૯) અને તેઓ ગોકુલ નગર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રાહુલ નીતિનભાઈ લીંબડ નામના ૨૨ વર્ષના યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેની સારવાર ચાલી રહી છે. જેઓ એકબીજાના કુટુંબી ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે.