જામનગરના વોર્ડ નંબર ૧૨ ના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડાઈ
-
પૂર્વ કોર્પોરેટર ના રહેણાંક મકાનમાંથી પણ વિજ ટુકડીને સાથે રાખીને રૂપિયા ૯૦.૦૦૦ ની વિજ ચોરી પકડી લેવાઇ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ માર્ચ ૨૫, જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા ગઈકાલે વીજ ચેકિંગ ટુકડીને સાથે રાખીને પટણીવાડ વિસ્તારમાં રહેતા વોર્ડ નંબર ૧૨ ના વિપક્ષી કોર્પોરેટરના મકાનમાં દરોડો પાડી રૂપિયા સાડા ત્રણ લાખ ની વિજ ચોરી પકડી પાડી છે. ઉપરાંત પૂર્વ કોર્પોરેટરના મકાનમાંથી રૂપિયા ૯૦,૦૦૦ તેમજ અન્ય એક સાગરીતના મકાનમાંથી ૪.૩૪ લાખ ની વિજ ચોરી પકડી લેવાઇ છે.
જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર ફૂલ એક્શનમાં આવી ગયું છે, અને અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવાઈ રહ્યું છે. જ્યારે વિજ તંત્રને સાથે રાખીને વિજ ચોરી ના સંદર્ભમાં પણ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
જેના ભાગ રૂપે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૨ના વિપક્ષી કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અસલમ ખીલજી કે જેનું રહેણાંક મકાન પટણીવાડ વિસ્તારમાં આવેલું છે, જે સ્થળે સિટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડા પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા, અને વીજ ચેકિંગ ટુકડીને સાથે રાખીને તપાસણી કરી હતી. જે દરમિયાન તેના રહેણાંક મકાનમાંથી મોટા પાયે વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી વિજતંત્ર દ્વારા રૂપિયા ૩,૫૨,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત વાઘેર વાડા વિસ્તારમાં રહેતા પૂર્વ કોર્પોરેટર ગની ઉંમરભાઈ પટેલ ઉર્ફે ગની બસર, કે જેના રહેણાંક મકાનમાં પણ તપાસણી દરમિયાન રૂપિયા ૯૦,૦૦૦ ની વીજ ચોરી પકડાઇ છે. જ્યારે તેઓના સાગરીત જુનેદ ચૌહાણ કે જેનું પણ પટણી વાડ વિસ્તારમાં મકાન આવેલું છે, તેના ઘરમાંથી રૂપિયા ૪.૩૪.૦૦૦ ની વિજ ચોરી પકડાઇ છે.
સિટી એ. ડિવિઝનના પોલીસ વિભાગ દ્વારા માત્ર ત્રણ મકાનોમાંથી રૂપિયા ૮,૭૪,૦૦૦ ની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. તેઓની સામે વિજ પોલીસ મથકમાં અલગથી ગુના નોંધવામાં આવ્યા છે.