જામનગરમાં ૧૯ વખત દારૂના ગુનામાં પકડાઈ ચૂકેલો એક શખ્સ વધુ એક વખત દારૂની હેરાફેરી કરતાં પકડાયો
-
પોલીસે કારમાં દારૂની હેરાફેરી પકડી લીધી: ૧૦૬ નંગ ઈંગ્લીશ દારૂ ની બાટલી અને કાર સાથે બે બુટલેગર પકડાયા
-
૨૩ ગુનામાં સંડોવાયેલા નાઘેડી ના કુખ્યાત શખ્સ ‘રામકા, એ દારૂ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ ફેબ્રુઆરી ૨૫ , જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે વોચ ગોઠવી ૧૯ જેટલા દારૂના ગુનામાં પકડાયેલા એક બુટલેગર ને કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા અંગે પકડી પાડયો છે. પોલીસે ૧૦૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના જથ્થા અને કાર સાથે બે શખ્સો ની અટકાયત કરી છે, જ્યારે ૨૩ જેટલા ગુનામાં સંડોવાયેલા નાઘેડી ના રામ ઉર્ફે રામકો નામના શખ્સ એ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.આદરોડા ની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર રહેતો કેયુર ઉર્ફે કઇલો ગિરીશભાઈ ડોબરીયા કે જેની સામે જામનગર શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને વેચાણ અંગેના ૧૯ ગુના નોંધાયા છે, જેના પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી.દરમિયાન સિટી સી. ડિવિઝનના પી.એસ.આઇ રવિરાજસિંહ.ડી ગોહિલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઉપરોક્ત બુટલેગર દ્વારા એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, અને નાઘેડી તરફથી કારમાં ઈંગ્લીશ દારૂ ભરીને જામનગરમાં આવી રહ્યો છે. જે બાતમી ના આધારે પોલીસ ટુકડીએ અયોધ્યા નગર શેરી નંબર છ પાસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન જીજે ટેન સી. એન. ૩૫૯૧ નંબરની ડસ્ટન કંપનીની ‘રેડી ગો’ કાર પસાર થતાં તેને અટકાવીને તલાસી લીધી હતી. જે કારમાંથી ૧૦૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે કાર અને ઇંગ્લિશ દારૂ સહિત રૂપિયા સવા લાખની માલમતા કબજે કરી હતી, જયારે કારની અંદર બેઠેલા કેયુર ઉર્ફે કઈલો ગિરીશભાઈ ડોબરીયા તેમજ તેના સાગરીત ગુમાનસિંહ તખુભા જાડેજા ની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા બંનેની પૂછપરછ ચલાવવામાં આવી હતી, જે દરમિયાન તેઓએ ઉપરોક્ત દારૂ નો જથ્થો જામનગર નજીક નાઘેડી માં રહેતા રામ ઉર્ફે રામકો જીવાભાઇ મોઢવાડિયા નામના મેર જ્ઞાતિ ના શખ્સ એ સપ્લાય કર્યો હોવાનું કબુલ્યું હતું. જે આરોપી સામે દારૂ અને મારા મારી સહિતના ૨૩ ગુનાઓ અલગ અલગ પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યા છે. જેને ઉપરોક્ત દારૂના કેસમાં ફરારી જાહેર કરાયો છે અને પોલીસ તેને શોધી રહી છે.