જામનગરના એડવોકેટની હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીના ભાઈની ગેરકાયદે દુકાનોનું બાંધકામ પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરાયું
-
રણજીત સાગર રોડ પર ૧૫૦૦ ફૂટ જગ્યામાં ગેરકાયદે ખડકી દેવાયેલી બે દુકાનો તોડી પડાઈ : એસપી ખૂદ હાજર રહ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ ડીસેમ્બર ૨૪, જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા અને હાલ લંડનમાં જેલવાસ ભોગવી રહેલા જયેશ પટેલ ના ભાઈ સામે તાજેતરમાં વ્યાજ વટાવ સહિતના ગુના દાખલ કર્યા બાદ હવે તેના દ્વારા ગેરકાયદે ખડકી દેવાયેલી બે દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ખુદ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સ્થળ પર હાજર રહ્યા હતા, અને ગેરકાયદે દબાણ વાળી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.
જામનગરના એડવોકેટ કીરિટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા અને હાલ લંડન માં જેલવાસ ભોગવી રહેલા જયેશ પટેલ ના ભાઈ ધર્મેશ રાણપરીયા સામે તાજેતરમાં વ્યાજ વટાવ સહિતની પ્રવૃત્તિ અંગે ગુના નોંધવામાં આવ્યા હતા. દરમિયાન આજે મહાનગરપાલિકા દ્વારા તેની સામે વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, ઉપરાંત સુનિલ ભાનુશાલી, અનવર ગજણ, યુવરાજસિંહ ઝાલા સહિત ની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી, અને એસ્ટેટ વિભાગની આશરે ૧૫ જેટલા કર્મચારીઓની ટુકડી દ્વારા ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ જેસીબી મશીન તથા એક ટ્રેક્ટર સહિતની મશીનરીની મદદ લેવામાં આવી હતી.માત્ર ત્રણ કલાકના સમયગાળા દરમિયાન જ સમગ્ર બાંધકામ દૂર કરી લેવાયું હતું, અને સંપૂર્ણ જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી.