રાજકોટમાં ઓનલાઇન અભ્યાસ ચૂકી જતાં તરૂણીની આત્મહત્યા!
દેવી ન્યુઝ નેટવર્ક રાજકોટ:
શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ત્યારે થોડા દિવસો પૂર્વે છાત્રાએ કરેલા આપઘાત મામલે પોલીસ તપાસમાં વિચારતા કરી મૂકે તેવી માહિતી બહાર આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઓનલાઇન અભ્યાસ ચૂકી જતા છાત્રાએ આપઘાત કર્યો હતો. નોંધનીય છે કે, આ તરૂણી ધોરણ 11માં અભ્યાસ કરતી હતી.
રાજકોટ શહેરમાં કોરોના મહામારી પગપેસરો કર્યાને એક વર્ષ પૂર્ણ થયું છે. કોરોના મહામારીના કારણે ઓફલાઈન શિક્ષણ છે તે ઓનલાઈન બન્યું છે.
ત્યારે રાજકોટ શહેરના માર્કેટયાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટીમાં રહેતી પ્રિયાએ ફેબ્રુઆરી માસમાં સવારે છ વાગ્યા આસપાસ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે રાજકોટથી ગોંડલની સુખવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં 20 ફેબ્રુઆરીના રોજ તેનું મૃત્યુ નીપજયું હતું.
આ અંગે હવે બી ડિવિઝન પોલીસ મથકમાં એડી ટ્રાન્સફર કરાતા પીએસઆઇ એ.પી ગોહેલ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ત્યારે પોલીસ દ્વારા મૃતકના માતા-પિતાના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ત્યારે પોલીસની પૂછપરછમાં પ્રિયા બે બહેન અને એક ભાઈમાં મોટી હતી.
તેમજ ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. તેના પિતા પાન બીડીનો ગલ્લો સંભાળે છે. આખા ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી મૃતકના પિતા એકલા પર છે.
તો સાથે જ આખા ઘર વચ્ચે એક જ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન હોય જેના કારણે કોઈ એક સમયે ત્રણ ભાઈ-બહેન પૈકી એક જ વ્યક્તિ મોબાઈલના માધ્યમથી ઓનલાઇન ભણતરનો લાભ લઇ શકતો હતો.
ત્યારે 3 ભાઈ બહેન વચ્ચે એક જ મોબાઈલ હોવાના કારણે પ્રિયા ઘણી વખત પોતાના ઈમ્પોર્ટન્ટ ક્લાસ મિસ કરી જતી હતી. જેના કારણે તે સતત ટેન્શનમાં રહેતી હતી. ત્યારે ટેન્શનમાં આવી જઈ ઝેરી દવા પી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.