રાજકોટ માં તરુણીને ભગાડી જનાર 70 વર્ષનો ડોસો 30 વર્ષે ઝડપાયો ઝડપાયો, પણ તરૂણી મળી નથી
દેશ દેવી ન્યુઝ નેટવર્ક રાજકોટ:
રાજકોટ ગ્રામ્ય પોલીસે 30 વર્ષ પૂર્વે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર એક ડોસાને ઝડપી પાડ્યો છે. આરોપી જ્યારે સગીરાને ભગાડી ગયો હતો ત્યારે તેને ઉંમર 40 વર્ષ હતી. હવે 30 વર્ષ બાદ તેની ધરપકડ થઈ છે એટલે કે હાલ તેની ઉંમર 70 વર્ષ છે. આરોપીને તરુણી થકી બે સંતાન પણ થયા હતા.
પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે પરંતુ તરુણી મળી આવી નથી. આ ઉપરાંત આરોપીએ એવી કેફિયત રજૂ કરી છે કે તરુણી થકી થયેલા બે સંતાનોનાં બીમારીથી મોત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજીના સુપેડી ગામેથી વર્ષ 1991ની સાલમાં સગીરાને ભગાડી ગયેલા આરોપી ધીરુભાઈ સોવસીયાને રાજકોટ ગ્રામ્ય પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ દ્વારા 30 વર્ષ બાદ ઝડપાયેલા આરોપીને ધોરાજી પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.
1991ની સાલમાં આરોપી ધીરુ સગીરાના માતાપિતા સાથે મજૂરી કામ કરતો હતો. એટલું જ નહીં આરોપી સુપેડી ગામે તેમની બાજુમાં જ રહેતો હતો. આરોપી જ્યારે સગીરાને ભગાડીને લઈ ગયો હતો ત્યારે તેની ઉંમર 40 વર્ષની હતી.
એટલું જ નહીં તે, ત્રણ સંતાનનો પિતા પણ હતો. સગીરાને ભગાડીને તે સુરત પહોંચ્યો હતો.
જ્યાં તરુણી થકી તેને બે સંતાનની પ્રાપ્તિ થઈ હતી. પાંચેક વર્ષ સુધી તરુણી આરોપી સાથે રહી હતી. બાદમાં પોતાના બંને સંતાનોને આરોપી પાસે મૂકીને ક્યાંક જતી રહી હતી.
યુવતી છોડીને જતી રહ્યા બાદ આરોપી ધીરુ ઘણા વર્ષો સુધી સુરત, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં રહ્યો હતો. સમગ્ર મામલે ધોરાજી પોલીસમાં આરોપી વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાયો હતો.
પોલીસે પણ આરોપી ધીરુને શોધવા તેમજ તરુણીને શોધવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા, છતાં વર્ષો સુધી આરોપી કે તરુણીનો કોઈ પણ પત્તો મળ્યો ન હતો.
આ દરમિયાન રાજકોટ રૂરલ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ તરફથી તપાસ શરુ કરવામાં આવતા આરોપી કોટડા સાંગાણીના બિલેશ્વર મંદિર પાસે રહેતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા આરોપી ધીરુ ત્યાંથી ઝડપાઇ ગયો હતો.
જોકે, ધીરુ જે તરુણીને પોતાની સાથે ભગાડી ગયો હતો તે સાથે જોવા મળી ન હતી.
આ કેસમાં પોલીસે તરુણે ક્યાં છે તેની તપાસ શરૂ કરી છે. આરોપીના રિમાન્ડ બાદ આ કેસમાં નવી વિગતો સામે આવી શકે છે.