ભાણવડની ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં વપરાતું સોનોગ્રાફી મશીન સીલ કરતું આરોગ્ય વિભાગ

0
198

ભાણવડની ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં વપરાતું સોનોગ્રાફી મશીન સીલ કરતું આરોગ્ય વિભાગ.

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં મોદી હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમના સંચાલક નિશિત આર. મોદીની હોસ્પિટલ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ નોંધાઈ છે.

આ હોસ્પિટલમાં વીઝીટીંગ સ્ત્રીરોગ નિષ્ણાત ડો. નિલેશ ગોરાણીયાને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા અગાઉ મંજૂરી આપવામાં આવેલ હતી. આ કાયદા હેઠળ કરતી વખતે ડોક્ટર નિલેશ દ્વારા ભરવામાં આવેલા ફોર્મ- એફ અને નિભાવવામાં આવતા રેકોર્ડમાં ક્ષતિઓ જણાતા દેવભૂમિ દ્વારકા જિલ્લા અપ્રોપ્રિયેટ ઓથોરિટી અને જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાની સુચના મુજબ શનિવારે સબ ડીસ્ટ્રીક એપ્રોપિયેટ ઓથોરિટી અને ભાણવડ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પંચોને સાથે રાખી અને હોસ્પિટલના ક્ષતિવાળા રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોદી હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમના સોનોગ્રાફી મશીનને કરવામાં આવ્યું છે.

આટલું જ નહીં, વીઝીટીંગ સ્ત્રીરોગ નિષ્ણાત ડો. નિલેશ ગોરાણીયાને મોદી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા  પી.સી. એન્ડ  પી.એન.ડી.ટી. એકટ ની જોગવાઈઓ તથા નિયમોનું ચુસ્તપણે અમલીકરણ કરવામાં આવે છે.

ઉપરોક્ત હોસ્પિટલને આ અગાઉ પણ બે વખત તાકીદ કરી, નોટિસો અપાઈ હોવાનું જાણવા મળેલ છે. આરોગ્ય વિભાગની આ કડક કામગીરીએ રજીસ્ટર નિભાવવામાં બેદરકાર તબીબોમાં દોડધામ પ્રસરાવી છે.