ફૂલડોલ ઉત્સવમાં દ્વારકા તરફ જતા પદયાત્રીઓનો પ્રવાહ: જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વાહનો માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા.
તા. 29 સુઘી વિવિઘ જાહેરનામાની થશે કડક અમલવારી –
ખંભાળિયા, સુવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે કાળીયા ઠાકોર સંગે હોળી- ફૂલડોલ ઉત્સવની ઉજવણીનું અનન્ય મહાત્મ્ય છે.
ફૂલડોલ ઉત્સવની કૃષ્ણ સંગે ઉજવણી કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં વાહનો મારફતે ઉપરાંત ચાલીને પણ સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
જુદા જુદા પ્રાંત, પ્રદેશો તથા જિલ્લાઓમાંથી દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે ચાલીને આવતા પદયાત્રીઓ આ વખતે પણ આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર જિલ્લા સાથે દેશમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
જેને ધ્યાને લઈને તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડી તારીખ 27 થી 29 માર્ચ સુધી સતત ત્રણ દિવસ દ્વારકાધીશ મંદિર શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ માટે સદંતર બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તેમ છતાં પણ જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દ્વારકા ખાતે શ્રદ્ધાળુઓ, પદયાત્રાળુઓ ઉપરાંત હરવા ફરવાની શોખીન જનતા ઊમટી રહેનાર છે.
દ્વારકા ખાતે આવી રહેલા પદયાત્રીઓની સુરક્ષા અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડી અને વાહનોની ગતિમર્યાદા મુકરર કરવામાં આવી છે.
આ જાહેરનામામાં જણાવાયા મુજબ ફૂલડોલ ઉત્સવ નિમિત્તે ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓ સાથે અકસ્માત ન સર્જાય તે હેતુથી (1) દેવભૂમિ દ્વારકાની હદ શરૂ થાય ત્યાંથી ખંભાળિયા, લીંબડી, ભાટીયા, કુરંગા, દ્વારકા રૂટ, (2) લીંબડી, રાણ, ગુરગઢ, દ્વારકાનો રૂટ, (3) દ્વારકા- મીઠાપુર- ઓખાનો રૂટ, (4) દ્વારકા- નાગેશ્વર- ઓખાનો રૂટ, (5) ભાટીયાથી હર્ષદ માતાજી (ગાંધવી)નો રૂટ, (6) હર્ષદ માતાજી (ગાંધવી)- કુરાંગા- દ્વારકાના રૂટ પર પસાર થતા ધોરીમાર્ગ પર કોઈપણ વાહન ચાલકે પોતાનું વાહન 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મર્યાદા તેમજ દ્વારકા શહેરમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિમર્યાદાથી વધારે ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ હુકમ તા. 22 થી તા. 29 માર્ચ સુધી અમલી રહેશે. આ જાહેરનામું સરકારી વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટરને લાગુ પડશે નહીં.
આ સાથે અન્ય એક જાહેરનામું બહાર પાડી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લીંબડી- ગુરગઢ- દ્વારકાના માર્ગ પર વાહન પ્રતિબંધ અંગેનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. જેમાં જણાવાયા મુજબ ફૂલડોલ ઉત્સવમાં ચાલીને જતા પદયાત્રીઓની સુરક્ષા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લીંબડી- કુરંગા- દ્વારકા રોડ ઉપર તારીખ 22 થી તારીખ 29 માર્ચ સુધી તમામ પ્રકારના ભારે વાહનો પસાર થવાની મનાઈ ફરમાવતો હુકમ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે.
આ વિસ્તાર માટે ભારે વાહન માટે વૈકલ્પિક રસ્તા તરીકે વાયા ભાટીયા-કુરંગા- દ્વારકા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હોળી- ધુળેટીના દિવસો જેમ નજીક આવી રહ્યા છે. તેમ દ્વારકા ખાતે ચાલીને જતા પદયાત્રીઓ પણ ઉમટી રહ્યા છે. આટલું જ નહીં, માર્ગમાં સેવાભાવી લોકો દ્વારા કેમ્પ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ માટે જિલ્લા તંત્ર-પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.