પ્રધાનમંત્રી મોદી ગાંધી આશ્રમથી દાંડીકૂચને પ્રસ્થાન કરાવશે
‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે.
અમદાવાદ : ભારતની આઝાદીના 75માં વર્ષે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ઉજવણીનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતીમાં સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે 12 માર્ચના રોજ યોજાશે.
આ ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 75 કાર્યક્રમો યોજાશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે.
12મી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ભારતની પહોંચ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક કરવા અને જનભાગીદારીથી રાષ્ટ્રના વિકાસ માટે ‘શતાબ્દી સંકલ્પ 2047’ લેવડાવશે.
આગામી એક વર્ષ દરમિયાન ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’, આત્મનિર્ભર ભારત, વિચાર, સિદ્ધિઓ અને ઉકેલ, ભારતનો સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદી 2.0 જેવી થીમ પર રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરાશે.
ગુજરાતમાં આ ઉજવણીને ભવ્ય રીતે મનાવવાના આયોજન રૂપે સમગ્ર રાજ્યમાં 75 જેટલા સ્થળોએ વિવિધ કાર્યક્રમો મહાનુભાવો, મંત્રીઓ, સાંસદો ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાશે.
આ હેતુસર સંબંધિત જિલ્લાઓના કલેકટરઓ અને વહિવટીતંત્ર વિવિધ કાર્યક્રમોની ઉજવણીને આખરી ઓપ આપી રહ્યા છે.
અમદાવાદના મુખ્ય કાર્યક્રમની સાથે દરેક જિલ્લામાં એક કાર્યક્રમ ઉપરાંત કરમસદ, બારડોલી, રાજકોટ, પોરબંદર અને માંડવી ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.