દ્વારકા ખાતે રૂ. 1.91 કરોડના ખર્ચે નિર્માણ થનાર એસ.ટી. ડેપો-વર્કશોપનું મુખ્યમંત્રી દ્વારા ઈ-ખાતમુહર્ત સંપન્ન.

0
183

દ્વારકા ખાતે રૂ. 1.91 કરોડના ખર્ચે નિર્માણ થનાર એસ.ટી. ડેપો-વર્કશોપનું મુખ્યમંત્રી દ્વારા ઈ-ખાતમુહર્ત સંપન્ન.

છેવાડાના માનવીને વધુમાં વધુ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ: મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.

100 બસોની મેઈન્ટેનન્સની સુવિધાથી ભરપુર બનશે ડેપો વર્કશોપ.

ખંભાળિયા : દેવભૂમિ દ્વારા જિલ્લામાં દ્વારકા સ્થિત બસ સ્ટેશન ખાતે એસ.ટી.નિગમના નવનિર્માણ થનાર ડેપો-વર્કશોપનો ઈ-ખાતમુહુર્ત સમારોહ યોજાયો હતો. રાજ્યક્ક્ષાના અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઈ- ખાતમુહૂર્ત યોજાયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતએ આપતિને અવસરમાં ફેરવવા સાથે વિકાસના કાર્યોમાં સતત કાર્યશીલ રહ્યું છે તેમ જણાવ્યું હતું.

કોરોનાકાળમાં એસ.ટી. વિભાગે મજૂર અને પરપ્રાંતિયોને તેમના વતન પહોંચાડવામાં અને ગામડાઓને શહેર સાથે જોડવામાં મોટો ફાળો આપ્યો છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે શહેરમાં અવર-જવર કરી શકે અને પોતાની કારકીર્દી બનાવી શકે તે માટે એસ.ટી.વિભાગ છેવાડાના ગામડાઓ સુધી પરિવહનની સુવિધા પુરી પાડી રહ્યું છે.

આ સાથે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસએ રાજ્ય સરકારનો મંત્ર છે. કોરોના સંક્રમણના સમયમાં છેવાડાના માનવીને વધુમાં વધુ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. નાગરિકોને અવર-જવર માટે રાજ્ય સરકારે એસ.ટી. ડીવીઝનમાં વિવિધ સુવિધાઓ વિકસાવી છે. જેના ભાગરૂપે જામનગર એસ.ટી.વિભાગના દ્વારકા ખાતે રૂપિયા 191.30 લાખના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવિન ડેપો-વર્કશોપનું ઈ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું છે.

વધુમાં તેમણે તાઉ-તે વાવાઝોડાના સમયે સતત ખડેપગે રહી કામગીરી કરવા બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારના રસીકરણ અભિયાન અંતર્ગત કોરોના સામે રક્ષણ આપતી રસી લેવી ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું.

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, એસ.ટી.નિગમ જનસુખાકારીની સેવાઓમાં રાજ્ય સરકાર દ્વારા ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પણ યાતાયાતની સેવા અને સલામત મુસાફરી જેવા સુવિધાયુકત બસ સ્ટેશન મળી રહે અને છેવાડાના ગામડાઓ સુધી એસ.ટી.ની સુવિધા પહોંચે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જિલ્લાના 18 થી 44 વર્ષના તમામ નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા રસીકરણ અભિયાન અંતર્ગત કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા માટે જણાવ્યું હતું. વધુમાં તેમણે જિલ્લામાં દરરોજ 15 સેશન્સમાં અંદાજીત 3000 જેટલા લોકોને રસીકરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, પૂર્વ જિલ્લા પ્રમુખ દેવશીભાઈ કરમુર, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતીબેન સામાણી, દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ બુજડ, તેમજ જિલ્લા ભાજપ અગ્રણી વી.ડી.મોરી, શૈલેષભાઈ કણજારીયા, રાજવીરભાઈ કેર તેમજ એસ.ટી.વિભાગના ડી.ટી.ઓ. વી.બી.ડાંગર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.