દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો ત્રીજો ગુનો નોંધાયો .માલધારી વૃદ્ધની કીમતી જમીન પચાવી પાડનારા શખ્સની ધરપકડની તજવીજ –

0
105

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો ત્રીજો ગુનો નોંધાયો .

માલધારી વૃદ્ધની કીમતી જમીન પચાવી પાડનારા શખ્સની ધરપકડની તજવીજ –

દેશદેવી ન્યુઝ-ખંભાળિયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના આશીયાવદર ગામે રહેતા અને ખેતી કામ કરતા અલાભાઈ મેરામણભાઈ કાલર નામના 60 વર્ષના રબારી વૃધ્ધે તેમની વડીલોપાર્જિત એવી સાડા બાર વિઘા ખેતીની જમીન આ જ ગામના ગગુભા કનુભા જાડેજા નામના શખ્સે પચાવી પાડી હોવાનું કલ્યાણપુર પોલીસમાં જાહેર કર્યું છે.

ફરિયાદી આલાભાઇ રબારી દ્વારા જાહેર થયેલી વિગત મુજબ તેમના સદગત પિતાશ્રીને વર્ષો અગાઉ સરકાર તરફથી માલધારી યોજના હેઠળ સાંથણીમાં પંદર એકર જમીન મળી હતી. સરવે નંબર 272 પૈકી 1 વાળી આ જમીન અલાભાઈના પિતા મેરામણભાઇ કાલર ખેડતા હતા તથા માલઢોર ચરાવતા હતા.

પિતાના અવસાન બાદ વર્ષ 1998માં અલાભાઈને ભાયુ ભાગ પેટે આવેલી સાડા અઢાર વીઘા જમીન પૈકી અગાઉ તેમના પિતાની હયાતીમાં આશીયાવદર ગામના ગગુભા કાનુભા જાડેજાએ સાડા બાર વિઘા જમીન પર બળજબરીપૂર્વક કબજો કરી લીધો હતો.

જે તેઓ ખાલી કરતા ન હતા. તેમને ખાલી કરવાનું કહેતા ગગુભા તેઓ સાથે ઝઘડો કરતા અને ગગુભા ફરિયાદી આલાભાઇને ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.

આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 504, 506 (2) ઉપરાંત ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ મુજબ ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી અહીંના ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરીના વડપણ હેઠળ રાયટર એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા, હરદાસભાઇ ચાવડા દ્વારા હાથ ધરી, આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.