જામનગર હાઇવે ફરી રકત્તરંઝિત: ગોઝારા અકસ્માતમાં બે ભાઇઓના કરૂણ મોત: 3 ઘાયલ
જામનગર : જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતા સતવારા જ્ઞાતી ના એક બુઝુર્ગ નું થોડા દિવસો પહેલા મૃત્યુ નીપજ્યું હોવાથી તેમના કુટુંબીજનો જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં તેમજ ધુવાવ અને બેડ ગામમાં રહે છે.
જે પરિવારના આઠ જેટલા સભ્યો એક બોલેરો પિકઅપ વાનમાં બેસી ને જામનગર થી દસેક વાગ્યાના અરસામાં નીકળીને આમરા ગામ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન લાખાબાવળ ગામના પાટિયા પાસે પહોંચતા પાછળથી સિમેન્ટ કોંક્રિટના મિલર સાથેનો ટ્રક ઘડાકાભેર બોલેરો ની સાથે ટકરાઈ ગયો હતો, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં સતવારા પરિવારના બે પિતરાઇ ભાઇઓ જામનગરમાં ગોકુલ નગર માં રહેતા હિરેન રમણીકભાઈ મઘોડીયા (ઉ.વ.17) અને અનિલ મોહનભાઈ મઘોડિયા (ઉંમર વર્ષ 19) ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને મૃતદેહોના ટૂકડા થઇ ગયા હતા, જ્યારે એક યુવતી સહિત અન્ય ત્રણ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા હતા.
જે પૈકીના જામનગરના ગોકુલ નગર માં રહેતા હેમલતાબેન રમણીકભાઈ મઘોડિયા (ઉંમર વર્ષ 20) ઉપરાંત ધુવાવ ગામમાં રહેતા મિલન રાજેશ ભાઈ કણજારીયા (ઉંમર વર્ષ 13) અને બેડ ગામ માં રહેતા ઉત્તમ નરોત્તમભાઈ ખાણધર (ઉંમર વર્ષ 13) ને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ત્રણેયની સઘન સારવાર ચાલી રહી છે.
આ બનાવ અંગે જાણ થતા સિક્કા પોલીસ સ્ટેશનમનો કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગયો હતો, ઉપરાંત અમારા ગામમાં રહેતા સતવારા પરિવારના અન્ય સભ્યો તેમજ જામનગરના રહેતા પરિવારના અન્ય સભ્યો વગેરે જી જી હોસ્પિટલે તેમજ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
આ અકસ્માતના મામલે સિક્કા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ભાગી રહેલા સિમેન્ટના મિક્સર ટ્રક ના ચાલકને આંતરી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.જામનગર અને બેડ તેમજ ધુવાવ ના પરિવારના આઠ સભ્યો આમરા ગામ કે જ્યાં તેઓનું વતન છે, ત્યાં કારજ ના પ્રસંગમાં જઇ રહ્યા હતા, દરમિયાન આ ગમખ્વાર અકસ્માત નડયો હતો. જેથી મૃતકના પરિવાર માં ભારે ગમગીની છવાઈ છે.