રાજયમાં 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો થશે પ્રારંભ.
ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા સૂચન કરાયા.
ગાંધીનગર: રાજ્યમાં 7 જૂનથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા તમામ શાળા સંચાલકોને પત્ર લખી શાળાઓ શરૂ થાય તે પહેલાની કામગીરી કરવા માટે કેટલાંક સુચન કરાયા છે.
જેમાં ધોરણ-10માં માસ પ્રમોશન બાદ તમામ વિદ્યાર્થીઓ ધોરણ-11માં આવી ગયા હોવાથી વધારાના કેટલા વર્ગોની જરૂરીયાત ઉભી થશે તેની ગણતરી કરી વર્ગ વધારાની અરજી કરવા માટેની ફાઈલો તૈયાર રાખવા માટે સુચન કરાયું છે. ઉપરાંત કોરોનાના કારણે મૃત્યુ પામેલા શિક્ષકો સહિતની ખાલી જગ્યા અંગેની ગણતરી કરી સ્ટાફ માટેનું ડીઈઓને મોકલવાનું પત્રક પણ તૈયાર રાખવા જણાવાયું છે.
ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે તમામ શાળા સંચાલકોને પત્ર લખી સ્કૂલો શરૂ થાય તે પહેલાની તૈયારીઓ કરવા માટે કેટલાંક સુચન કર્યા છે. જેમાં જૂનના પ્રથમ સપ્તાહમાં શાળા બિલ્ડીંગની સાફ-સફાઈ અને સેનેટાઈઝેશનની કામગીરી કરવા માટે સુચન કર્યું છે.
ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ગતવર્ષનું પરિણામ ન લઈ ગયા હોય તો ફોન દ્વારા સંપર્ક કરીને વાલીઓને તેમના બાળકનું પરિણામ પહોંચાડવા માટે પણ જણાવાયું છે.
2019-20ના વર્ષની વિદ્યાર્થીઓની ફી બાકીની ફરિયાદો સંચાલક મંડળને મળી છે. આવા કિસ્સામાં વાલી સાથે રૂબરૂમાં સંવાદ કરીને યોગ્ય નિકાલ કરવો.
જેથી વાલી સાથે સંઘર્ષ ન થાય તેવી પણ સલાહ આપવામાં આવી છે. સરકાર દ્વારા ધોરણ-1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હોવાથી વર્ગ રજીસ્ટરો તૈયાર કરાવવા અને વેકેશનગાળા દરમિયાન જો કોઈ લિવિંગ સર્ટિફીકેટ લઈ ગયા હોય તો તેમના નામ રદ કરવાના રહેશે. ગ્રાન્ટેડ શાળાઓને સરકાર દ્વારા આપવામાં આવતા પાઠ્ય પુસ્તકો શાળાના વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને પાઠ્ય પુસ્તક વિતરણ કેન્દ્ર પરથી મેળવી લેવા જેવી વિદ્યાર્થીઓને સમયસર પુસ્તક આપી શકાય.
ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરી દેવામાં આવ્યા છે ત્યારે ધોરણ-10ના તમામ વિદ્યાર્થીઓ ધોરણ-11માં આવી ગયા છે.
આવા સંજોગોમાં ધોરણ-11ના કેટલા વર્ગો છે અને કેટલા વર્ગોની જરૂર પડશે તેની ગણતરી કરી વર્ગ વધારાની અરજી કરવા માટે ફાઈલો તૈયાર રાખવા માટે પણ સુચન કરાયું છે. ઉપરાંત શાળામાંથી નિવૃત્ત થયેલા, મૃત્યુ પામેલા અને રાજીનામુ આપનારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મહેકમ વર્ગ મુજબ સ્ટાફના રેશીયાને ધ્યાને લઈને ગણતરી કરી જરૂરી સ્ટાફ માટે ડીઈઓને મોકલવાનું પત્રક તૈયાર રાખવા માટે પણ જણાવાયું છે.