જામનગર મહાનગરપાલિકાની ફાયર તથા ગાર્ડન શાખાની બે ટીમો રાહત કામગીરી માટે રાજુલા જવા રવાના.
જામનગર, તા.૧૯ મે: અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડાથી થયેલ નુકસાનીમાં મદદરૂપ થવા મ્યુનિસિપલ કમિશનર શ્રી સતિષ પટેલના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા દ્વારા બે ટીમો અમરેલી જિલ્લામાં મોકલવામાં આવી છે.
આ અંગેની વિગતો જણાવતા આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભાર્ગવ ડાંગરે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડા થકી વધુ નુકસાની થવા પામી છે ત્યારે રાજ્ય સરકારની સૂચના અનુસાર જામનગર મહાનગરપાલિકાની બે ટીમોને તમામ સામગ્રી સાથે અમરેલીના રાજુલા ખાતે રાહત અને બચાવ કામગીરીમાં ફરજ બજાવવા રવાના કરાઈ છે.
આ ટીમોમાં બે ફાયર સ્ટેશન ઓફિસર, એક હજાર જેટલા ફૂડ પેકેટ, બે વાહનો, છ ટ્રી-કટર તથા ટ્રી-કટિંગ અંગેની અન્ય સામગ્રી સાથે રાખવામાં આવી છે.તેમજ ફાયર તથા ગાર્ડન વિભાગના કુલ 10 કર્મચારીઓ રાજુલા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમરેલીના સંકલનમાં રહીને આવતીકાલથી રાહત કામગીરીમાં જોડાશે.