જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે ઓકિસજન, દવાઓ અને પાવર બેકઅપની વ્યવસ્થા કરાઇ.
વાવાઝોડાંના પગલે જી.જી હોસ્પિટલમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા
જામનગર: હાલ તાઉ-તે વાવાઝોડુ સૌરાષ્ટ્રની ભૂમિ પર લેંડ ફોલ કરી ચૂક્યું છે.
જામનગર ખાતે વાવાઝોડાની સંભવિત અસરના અનુસંધાને આગમચેતીના પગલા લેવા તથા જાન-માલના નુકશાન ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા સતત કામગીરી કરાઇ રહી છે.
વળી હાલ મહામારીની સ્થિતિમાં જામનગર ખાતે સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જી.જી.હોસ્પિટલમાં સતત દર્દીઓની સારવાર માટે આરોગ્ય તંત્ર ખડેપગે છેત્યારે વાવાઝોડા જેવી કુદરતી આફત સમયે પણ કોવીડ-19 હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પ્રતિકુળ અસર ન થાય તે માટે તંત્રના વિવિધ વિભાગોએ ટીમવર્ક કરી કોવીડ-19 હોસ્પિટલમાં ઓકસીજન, પાવર બેકઅપ/ડી.જી.સેટ તથા જાહેર સલામતી જેવા વિવિધ મુદાઓની ચોક્કસ વ્યવસ્થા કરી છે, આ ઉપરાંત તંત્ર દ્વારા વાવાઝોડા સંબંધે જિલ્લાની દરેક કોવીડ હોસ્પિટલને એલર્ટ કરવામાં આવી છે.
આ અંગે જી.જી.હોસ્પિટલના એડી.સુપ્રિટેન્ડંટ ડો. વસાવડાએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને પહોંચી વળવા માટે જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ઇલેક્ટ્રિસિટીનો પુરવઠો ખોરવાય નહીં અને કોઈ તકલીફ ઉત્પન્ન પણ ન થાયતે માટે પાંચથી સાત ડી.જી સેટની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ડી.જી.સેટોને ડીઝલ પૂરુ પાડવા માટે હોસ્પિટલમાં જ દસ હજાર લીટરનો ડીઝલનો ટાંકો પણ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ઓક્સિજનની કોઈ અછત ન થાય તે માટે બે દિવસનો ઓક્સિજનનો જથ્થો જાળવવા કેમ્પસમાં ઓક્સિજનના ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી છે.
વળી દવાઓ અને અન્ય સારવારલક્ષી આવશ્યક વસ્તુઓ પણ પૂરતી માત્રામાં હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલને આગામી બે દિવસ માટેનાં રેમડિસીવીર ઇન્જેકશન અગાઉથી જ આપી દેવામાં આવ્યા છે તેમજ ભોજન અને પાણી માટે પણ બે દિવસનો સંપૂર્ણ જથ્થો હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે.
જી.જી હોસ્પિટલ જામનગરમાં ઓથોપેડીક સર્જન અને ઓર્થોપેડિક વિભાગના સ્ટાફની ઘટ હોવાથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા અમદાવાદથી ઓર્થોપેડીકના ક્ધસલ્ટન્ટ અને રેસિડન્ટ ડોક્ટરોનું હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન કરવામાં આવેલ છે જેથી દર્દીઓને વધુ વ્યવસ્થાઓ મળી રહે.
તદુપરાંત ઈમરજન્સી વોર્ડ અને ટ્રોમા વોર્ડ સિવાય પણ વાવાઝોડાના કારણે જો કોઈ માસ કેઝયુઅલ્ટી આવે તો તેને પહોંચી વળવા 50 બેડના વધારાના વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.
આર.એન.બી. અને પી.આઇ.યુએ સંપૂર્ણ હોસ્પિટલ અને કોલેજ કેમ્પસનું અવલોકન કરી હોસ્પિટલની દરેક બિલ્ડિંગને સર્ટિફાઇડ કરેલ છે કે જેથી કોઈપણ જાનહાનિ કે નુકસાન થાય નહીં. જામનગર વહીવટીતંત્ર અને હોસ્પિટલતંત્ર આ કુદરતી આફતને પહોંચી વળવા માટે સતત ખડેપગે કામગીરી કરી રહ્યા છે.
કુદરતી આફત સમયે પણ કોરોનાના દર્દીઓને સારવારમાં કોઇપણ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલ દ્વારા તમામ સ્તરે સતત રૂબરૂ દેખરેખ રાખવામાં આવી રહી છે.