જામનગર જિલ્લામાં કોવિડ ગાઈડલાઈનનો કડકાઇથી અમલ કરાવાશે: કલેકટર.
લોકોને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા તેમજ કોવિડના કોઈપણ પ્રકારના લક્ષણો જણાયે તાત્કાલિક ટેસ્ટ કરાવવા કલેક્ટરશ્રીનો અનુરોધ.
જામનગર, જિલ્લા કલેકટરશ્રી રવિશંકરે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં વધતાં જતાં કોરોના કેસો પર નિયંત્રણ લાવવા તંત્ર દ્વારા આગામી સમયમાં કડકાઇથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
દરેક નાગરિકો પોતાની નૈતિક જવાબદારી સમજી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે તે હાલના સમયે ઇચ્છનીય છે.
જિલ્લા કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ ખૂબ ઝડપથી વધી રહી છે.
જિલ્લાની વસતીના પ્રમાણમાં કોવિડ પોઝીટીવ કેસો ત્વરિત ગતિએ વધી રહ્યા છે.દરરોજ સરેરાશ 30જેટલા નવા કેસોનો ઉમેરો થઈ રહ્યો છે.
આવા સંજોગોમા લોકો પણ કોરોનાથી નિર્ભિક બની જાહેરમાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ફરતા જોવા મળે છે.
ત્યારે સૌ નાગરિકોને જિલ્લા કલેકટરશ્રીએ ખાસ અનુરોધ કરતા કહ્યું હતું કે, લોકો કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે તેમજ કોવિડના કોઈપણ પ્રકારના લક્ષણો જણાઈ આવે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ ટેસ્ટ કરાવે અને સારવાર લે.
શહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોવિડ ગાઈડલાઈનનો આગામી સમયમાં કડકાઈથી અમલ કરાવાશે.
તેમ જણાવતાં જિલ્લા કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે, પોલીસ તેમજ સંબંધિત વિભાગોને આ માટે જરૂરી સૂચના આપવામાં આવી છે.
જેનો તાત્કાલિક અસરથી જિલ્લામાં અમલ કરવામાં આવશે.