જામનગરમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીમાં જોડાવા માટે જીવદયાપ્રેમીઓને આહવાન.

0
173

જામનગરમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીમાં જોડાવા માટે જીવદયાપ્રેમીઓને આહવાન.

જામનગર.

અબોલ પશુ પ્રાણીઓ ઉપર થતા અત્યાચારો અટકાવવા/નિવારવા માટે જામનગર જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની રચના કરવામાં આવનાર છે.

સોસાયટીની રચનામાં પ્રાણીઓ ઉપર વધતા જતા શોષણ અટકાવવા જેવા કે અસહ્ય ભારનું વહન, ગેરકાયદેસર રીતે પશુઓનું થતું પરિવહન/ હેરફેર અને વ્યાપાર, ઘવાયેલા/માંદા પશુ-પ્રાણીઓની સેવા- સુશ્રુષા જેવા ઉમદા હેતુ સાથે સંકળાયેલા છે.

આ અન્વયે જે વ્યક્તિ જીવદયાનીપ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અને જેના નામે ગુનાહિત ઈતિહાસ ન હોય તેવા વ્યક્તિઓ આ સોસાયટીના સભ્ય બની શકે છે.

આ ઉમદા હેતુને ધ્યાને લઇ કલેક્ટરશ્રીની સુચના અનુસાર સોસાયટીની રચના માટે સામાન્ય સભ્યો તથા આજીવન સભ્યોની નોંધણી સહ ઉમેરવાની કામગીરી કરવામાં આવશે, જેમાં કાયમી સભ્યપદ (પેટ્રન)ની નોંધણી ફી રૂ.1000/- અને સામાન્ય સભ્યની નોંધણી ફી રૂ.100/-ની રહેશે તેમજ સામાન્ય સભ્યની મુદત 01 (એક) વર્ષની રહેશે.

સભ્યોની નોંધણી બાદ સોસાયટીના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે.

આ સોસાયટીનું સભ્યપદ સ્વેચ્છાએ મેળવવા ઇચ્છતા લોકોએ સ્વ-હસ્તાક્ષરમાં અરજી કરી નાયબ પશુપાલન નિયામકશ્રી કચેરી, પશુપાલન શાખા, છઠ્ઠો માળ, જીલ્લા પંચાયત ભવન, જામનગરના સરનામે 10- દિવસમાં મોકલી આપવાની રહેશે. અરજીમાં પૂરું નામ, રહેઠાણનું સરનામું (સંપર્ક નંબર તથા ઇમેલ એડ્રેસ સાથે), કાયમી સરનામું, જન્મતારીખ, રાષ્ટ્રીયતા, સામાજિક મોભો, કોઈ સ્વૈચ્છિક સંસ્થા સાથે સંકળાયેલા હોય તો તેનું નામ-સરનામું, સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલ હોય તો તેની વિગત, અન્ય આનુસંગિક માહિતી ફોર્મ સાથે બીડવાની રહેશે. સાથે જ કબૂલાતનામું, જેમાં હું કબૂલ કરું છું કે, મારા નામે કોઈ ગુનો નોંધાયેલ નથી.

તે રજુ કરી અરજી સાથે સભ્ય ફીની રકમ રોકડમાં ભરવાની રહેશે તેમ અધ્યક્ષ અને કલેક્ટરશ્રી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.