પી.એસ.આઇ. શક્તિસિંહનો સપાટો : જામનગરમાં ઘૂસે તે પહેલા જ શરાબનો જંગી જથ્થો ઝડપી લેવાયો.
દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગર શહેરમાં લાલપુર બાયપાસ ચોકડી પાસેથી એક છોટા હાથીમાં માતબર ઈંગ્લીશ દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીના સ્ટાફે 588 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો માતબાર જથ્થો પકડી પાડયો છે, અને છોટા હાથી ના ચાલકની અટકાયત કરી લીધી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન મોરકંડા રોડ પર રહેતો એક શખ્સ આ દારૂના પ્રકરણમાં સંડોવાયેલો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
જામનગરના ખંભાળિયા ગેટ પોલીસ ચોકી ના પી.એસ.આઇ શક્તિસિંહ.પી.સોઢા ને ચોક્કસ બાતમી મળી હતી કે લાલપુર બાઈપાસ ચેકપોસ્ટ પાસેથી એક છોટા હાથીમાં કાચા રસ્તે ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો જામનગર શહેરમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે વહેલી સવારે વોચ ગોઠવી જી. જે. 10 વાય 3145 નંબરના છોટા હાથી ને આંતરી લેવાયું હતું.
પોલીસ દ્વારા વાહનની તલાશી હાથ ધરવામાં આવતા અંદરથી 588 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા બે લાખ 93 હજારની કિંમતનો દારૂ અને એક લાખનું છોટા હાથી વગેરે કબજે કરી લઈ તેના ચાલક જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા શાહનવાઝ ઉર્ફે ટોની દિલાવરભાઈ દરજાદા ને પકડી પાડયો હતો.
પોલીસ પુછપરછ દરમિયાન આ દારૂના જથ્થા માં મોરકંડા રોડ પર સન સીટી વિસ્તારમાં રહેતો વસીમ યુસુફભાઈ દરજાદા નામનો શખ્સ સંડોવાયેલા હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.