જામનગરના હાપામાં નગરસેવિકાના પતિ સહિત 3 લોકો ઉપર હુમલો : ચાર સામે ફરિયાદ.

0
719

જામનગરના હાપામાં નગરસેવિકાના પતિ સહિત 3 લોકો ઉપર હુમલો : ચાર સામે ફરિયાદ.

જામનગર: જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં એક ફ્રૂટના વેપારીની પેઢી પર ચાર શખ્સોએ ધમાલ મચાવી હતી, અને ફ્રૂટના વેપારી અને રાજકીય આગેવાન સહિત ત્રણ પર હુમલો કરી દેવાયો હતો. જ્યારે મોબાઇલ ફોન તેમજ ફ્રુટ ના બોક્ષ વગેરેમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવામાં આવી હતી, જે અંગે પોલીસ ફરિયાદ કરાઇ છે.

જામનગરમાં હુન્નરશાળા વિસ્તારમાં રહેતા અને હાપા માર્કેટિંગ યાર્ડ માં ફ્રૂટ નો વેપાર કરતા જેકીભાઈ જીતુભાઈ લાલવાણી નામના વેપારીએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના તેમજ રાજકિય આગેવાન એવા મુકેશભાઈ લાલવાણી (જામનગર વોર્ડ નં.13 બબીતાબેન લાલવાણીના પતિ) અને પરમાનંદ ભાઈ લાલવાણી વગેરે ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ પોતાના ફ્રુટના બોક્સના ઘા કરી દઇ નકશાની કરવા અંગે તેમજ મોબાઇલ ફોન પણ તોડી નાંખી કુલ રૂપિયા 10 હજારનું નુકસાન પહોંચાડવા અંગે કમલેશ ઉર્ફે બંશી ભગવાનજી દાઉદીયા, ધર્મેશ ઉર્ફે ભૂરો ભગવાનજી દાઉદીયા, કિસન ઉર્ફે શની કાનજીભાઈ અને નાનજીભાઈ કાલિદાસ દાઉદીયા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

ઉપરોક્ત ચારેય આરોપીઓ જામનગરમાં સુભાષ શાકમાર્કેટ આસપાસના વિસ્તારમાં રહે છે અને ફ્રૂટના વેપારીઓને ત્યાં મજૂરી કામ કરે છે. જે આરોપીઓએ લાકડી સાથે વેપારીની દુકાને આવી મજૂરીના પૈસા વધારવા બાબતે ઝઘડો કર્યો હતો, અને ઝપાઝપી કરી હુમલો કરી દીધો હતો.

પોલીસે ચારેય આરોપીઓ સામે આઇપીસી કલમ 323,427,504,506-2,114  અને  જી પી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. વેપારી ને સામાન્ય ઈજા થઈ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. સીટી એ ડીવીઝન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.