ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્દેશ
માસિક ધર્મમાં કોઇપણ સ્થળે મહિલાઓને બાકાત રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે:
કોર્ટે આ અંગે નોટિસ પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.
દેશ દેવી ન્યુઝ નેટવર્ક : અમદાવાદ
કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામા આવી હતી.
આ ઘટના ગત ફેબ્રુઆરીમાં બની હતી. આ મામલે છાત્રાઓએ વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ આ અંગે થયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે કે, માસિક ધર્મની પરિસ્થિતિના આધારે કોઇપણ જાહેર, ખાનગી, ધાર્મિક કે શૈક્ષણિક જગ્યા પર મહિલાઓને બાકાત રાખવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે. કોર્ટે આ અંગે નોટિસ પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.
આ અંગેની જાહેર હિતની અરજીમાં સુનાવણી કરતા ગઇકાલે એટલે સોમવારે જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ જે. વોરાની ખંડપીઠે નિર્દેશ કર્યો હતો.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, માસિક ધર્મની પરિસ્થિતિના આધારે મહિલાઓને કોઇપણ સ્થળે બાકાત કરવાની પ્રવૃત્તિ સામે રાજ્ય સરકારે ઝુંબેશ ચલાવવી જોઇએ. જાહેર સ્થળો પર પોસ્ટર દ્વારા તેનો પ્રચાર કરવો જોઇએ.
આ ઉપરાંત ટકોર કરતા જણાવ્યું હતું કે, શાળાઓના અભ્યાસક્રમમાં પણ આ બાબતનો સમાવેશ થવો જોઇએ. આપણા સમાજની મોટી ઉંમરની મહિલાઓ આ અંગે ચર્ચા કરવામાં અચકાય છે.
જેના કારણે કિશોરીઓ કે યુવતીઓ પાસે આ અંગેનું જ્ઞાન મર્યાદિત હોય છે. જોકે, ખંડપીઠે એ પણ કહ્યું હતું કે, આ નિર્દેશો અને અવલોકનો પ્રથમદર્શયની છે. કોઇ યોગ્ય આદેશો જારી કરતા પહેલાં અમે રાજ્ય અને કેન્દ્ર સરકારનો જવાબ સાંભળવા માગીએ છીએ. અમે ખૂબજ નાજુક મુદ્દાને સંબોધી રહ્યા છીએ, તેથી તમામ પક્ષકારો અને હિતધારકો તેમનો પક્ષ રજૂ કરે અને ચર્ચા થાય તે જરૂરી છે.