ખંભાળિયા સેશન્સ અદાલતનો ચુકાદો : પરિણીતાને જીવતી સળગાવનાર પતિને આજીવન કેદ

0
102

ખંભાળિયા સેશન્સ અદાલતનો ચુકાદો : પરિણીતાને જીવતી સળગાવનાર પતિને આજીવન કેદ

દેશદેવી ન્યુઝ નેટવર્ક- ખંભાળિયા

ખંભાળિયામાં રહેતી એક મુસ્લિમ પરિણીતાને તેણીના પતિએ કેરોસીન છાંટી, જીવતી સળગાવી દેતા હત્યાના આ બનાવમાં ખંભાળિયાની સેસન્સ અદાલતમાં આરોપી પતિને આજીવન કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયાના નરશી ભુવન નજીક રહેતા અફસાના મહેબૂબ ખીરા નામના પરણિત મહિલાના પતિ મહેબૂબ જુનસ ખીરાને ગત તારીખ 14-2-2018 ના રોજ કામ માટે જવાનું હોવાથી સવારના સમયે ચા- નાસ્તો કરી લીધા બાદ પતિ મહેબૂબએ તેના પત્ની અફસાનાબેનને કહેલ કે “તું તારા મમ્મી-પપ્પા આવે ત્યારે સારું ખાવાનું બનાવે છે

અને મને સારું ખાવાનું બનાવી દેતી નથી”- તેમ કહી બિભત્સ ગાળો કાઢી, અને ઢોર માર માર્યો હતો. આટલું જ નહીં, આરોપી પતિ મહેબૂબએ અફસાનાબેનને “તું તારા મમ્મી પપ્પાના ઘરે ચાલી જા. નહીતર હું તને સળગાવીને મારી નાખીશ”- તેમ કહેતાં જેથી ફરિયાદી અફસાનાબેને ના કહેતા ઉશ્કેરાયેલા મહેબૂબએ રસોડામાં રહેલું કેરોસીનનું કેન લાવી, અને અફસાના ઉપર છાંટી, દીવાસળી ચાંપી દીધી હતી.

આ બનાવ બાદ ગંભીર રીતે દાઝી ગયેલા અફસાનાબેનને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તેણીએ ખંભાળિયાના પી.એસ.આઇ. કવિતાબેન ઠાકરીયાની રૂબરૂમાં ઉપરોક્ત સમગ્ર હકીકત જણાવી હતી. જેથી ખંભાળિયા પોલીસે મહિલાના પતિ સામે આઇ.પી.સી. કલમ 307, 504, 498(ક) મુજબ ગુનો નોંધ્યો હતો.

સારવાર દરમિયાન ફરિયાદી મહિલાએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ મરણોન્મુખ નિવેદન આપ્યા બાદ તારીખ 15 ફેબ્રુઆરી 2018 ના રોજ તેણીનું મૃત્યુ થયું હતું. જેથી પોલીસે આરોપી સામે હત્યાની કલમ 302 નો ઉમેરો કર્યો હતો.

આ સમગ્ર પ્રકરણ અંગે જરૂરી કાગળો તથા એફએસએલના રિપોર્ટ મેળવી આ અંગેનો કેસ ખંભાળિયા મુખ્ય સેશન્સ અદાલતમાં ચાલી જતા આ કેસમાં ફરિયાદી મહિલાના પિતાએ કેસને જરૂરી સમર્થન આપ્યું ન હતું. પરંતુ ફરિયાદીની ફરિયાદ તથા મરણોન્મુખ નિવેદન લેનારા મામલતદારની જુબાની અને અહીંના સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપી મહેબૂબ જુસબ ખીરાને તકસીરવાન ઠેરવી હત્યાના ગુનામાં તેને આજીવન કેદ તથા રૂપિયા વીસ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.