Home Gujarat Jamnagar ખંભાળિયા નગરપાલિકાના નવા સત્તાધીશોની વરણી

ખંભાળિયા નગરપાલિકાના નવા સત્તાધીશોની વરણી

0

ખંભાળિયા નગરપાલિકાના નવા સત્તાધીશોની વરણી

ભાવનાબેન પરમાર બન્યા નવા પ્રમુખ : ઉપપ્રમુખ તરીકે જગુભાઈ રાયચુરા ચૂંટાયા: કારોબારી કમિટીની જવાબદારી હિનાબેન આચાર્યને: શાસક પક્ષના નેતા દિલીપભાઈ ઘઘડા


દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા :

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકાની તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં કુલ 28 પૈકી 26 સભ્યો ભાજપના અને કોંગ્રેસ તથા બસપાના એક-એક સભ્ય ચૂંટાયા છે.

આગામી પાંચ વર્ષ માટે ચૂંટાયેલા આ સભ્યોમાં આગામી અઢી વર્ષની પ્રથમ ટર્મ માટેના પ્રમુખ- ઉપપ્રમુખ પદની ચુંટણી આજરોજ સોમવારે સવારે અગીયાર વાગ્યે યોજાઇ હતી.

ખંભાળિયા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ સામાન્ય સભા કે જેનો મુખ્ય એજન્ડા નવા પ્રમુખ- ઉપપ્રમુખની વરણી સાથેનો હતો, આ બેઠક ખંભાળિયા નગરપાલિકાના સભાગૃહ ખાતે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી પ્રશાંત મંગુડાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં નવા ચૂંટાયેલા તમામ 28 સભ્યો હાજર રહ્યા હતા.

ખંભાળિયા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર શેખ ઉપસ્થિતિમાં યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ તરીકે ભાજપના ભાવનાબેન જીગ્નેશભાઈ પરમારના નામની દરખાસ્ત વોર્ડ નંબર 6ના સભ્ય વિજયભાઈ નારણભાઇ કણજારીયાએ મૂકી હતી. જેને મુક્તાબેન કિશોરભાઈ નકુમે ટેકો આપ્યો હતો.

જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના સિનિયર સભ્ય રમેશભાઈ સુંદરજીભાઈ રાયચુરા (જગુભાઈ રાયચુરા) ના નામની દરખાસ્ત હિતેશભાઈ ગોકાણીએ મૂકી હતી. જેને રશ્મિબેન જયેશભાઈ ગોકાણીએ ટેકો આપ્યો હતો.

આમ, પાલિકાના પ્રમુખ તરીકે ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ (જગુભાઈ) રાયચુરાની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી.

આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નંબર સાતના સદસ્યા હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્યના નામની જાહેરાત કરાઇ હતી. આ સાથે શાસક પક્ષના નેતા તરીકે ખંભાળિયા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ ઘઘડા તથા દંડક તરીકે સોનલબેન નાથુભાઈ વાનરીયાની વરણી પણ ભાજપ દ્વારા કરવામાં આવી હતી.

આમ, એકંદર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલી આ પ્રથમ સામાન્ય સભામાં મીટીંગ અંગેની કામગીરી કમિટી ક્લાર્ક રાજુભાઈ વ્યાસે કરી હતી. આ સમગ્ર કાર્યવાહીની ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
નવા હોદ્દેદારોની નિમણુંક અંગેની વ્હિપ જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ દ્વારા સીલબંધ કવરમાં લાવવામાં આવી હતી. જેને જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ કણજારીયાએ પ્રત્યેક સભ્યને આપી, અને આ વ્હીપની બજવણી કરી હતી.

પાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વિધિ સંપન્ન થતા આ નવા સુકાનીઓ તથા હોદ્દેદારોની વિજય સરઘસ સ્વરૂપે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, સહિતના હોદ્દેદારો પ્રારંભથી જ સાથે જોડાયા હતા. આ સમગ્ર ચૂંટણી દિવસ દરમ્યાન અહીંના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ઝાલા તથા સ્ટાફ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version