રાજય સરકાર તરફથી કોરોના દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને દર મહિને 4 હજારની સહાય.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કહેર અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક લોકોએ પોતાનાં માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. રાજ્ય સરકારે મહામારીના કપરા સમયમાં છત્રછાયા ગુમાવનારા બાળકોને સુરક્ષા કચવ પુરૂ પાડવાનો નિર્ણય લીધો છે. મહામારીમાં જે બાળકોનાં માતા અને પિતા બંન્નેનું અવસાન થયું હોય તેવા બાળકોને તેના કોઇ પણ સગા ઉછેરતા હોય તો બાળકની ઉંમર 18 વર્ષ થાય ત્યાં સુધી તેના પાલક માતા-પિતાને સરકાર દ્વારા દર મહિને પ્રિત બાળક 4 હજાર રૂપિયાની સહાય ચુકવાશે.
આ ઉપરાંત બાળકનાં પિતાનું અવસાન થયું હોય અને માતા બાળકને મુકીને પુનર્લગ્ન કરે તેવા કિસ્સામાં પણ બાળકને 18 વર્ષની ઉંમર સુધી પાલક માતા પિતા યોજના હેઠળ દર મહિને બાળક દીઠ રૂપિયા 3 હજારની સહાય અપાશે. આ કામગીરી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, અમદાવાદની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત જે બાળકોનાં માતા પિતાને કોરોના પોઝિટિવ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ હોય તેમના બાળકોની સાર સંભાળ રાખનાર કોઇ જ ન હોય તેવા કિસ્સામાં 0 થી 18 વર્ષનાં બાળકોની સંસ્થાઓમાં પ્રવેશ આપી સાર-સંભાળ રાખવામાં આવશે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતા સ્મશાનગૃહના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રીલ, 2020 ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે.