કોરોનાથી ડરી સંક્રમિત દર્દીની સમરસ હોસ્ટેલના પાંચમાં માળેથી છલાંગ મારી કરી આત્મહત્યા.

0
396

રાજકોટમાં વધુ એક કોરોના સંક્રમિત દર્દીની આત્મહત્યા.

મહિલાએ લગાવી મોતની છલાંગ : પોઝિટિવ આવેલા અને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવેલા મહિલાએ સવારના ચાર વાગ્યા ના અરસામાં પાંચમા માળેથી છલાંગ લગાવી આત્મઘાતી પગલું ભર્યું.

રાજકોટ : કોરોના સામે લડવામાં તંત્ર વામણું સાબિત થઇ રહ્યું છે. બીજી તરફ કોરોના ના કારણે લોકોની હિંમત પણ ભાંગી રહી હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પૂર્વે ગોંડલના વાસાવડ ગામે દરગાહની અંદર કોરોના સંક્રમિત દર્દીએ જીવનથી કંટાળી પોતાનું ગળું કાપી આત્મહત્યા કરી હતી. ત્યારે આજરોજ રાજકોટમાં ( રિપોર્ટ પોઝિટિવ આવેલા અને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવેલી મહિલાએ સવારના ચાર વાગ્યા ના અરસામાં પાંચમા માળેથી છલાંગ લગાવી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના એક કાળો કેર વર્તાવ્યો હોય તે પ્રકારનું ચિત્ર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ ઉપસી આવી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓના એક બાદ એક આત્મઘાતી પગલાંના બનાવો સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલી તિરૂપતિ સોસાયટી ના નીરૂબેન નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સોમવારના રોજ સમરસ હોસ્ટેલ માં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ મંગળવારના રોજ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં તેઓએ પાંચ માળની બાલ્કનીમાંથી કૂદી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

સમગ્ર મામલાની જાણ ડોક્ટર સહિતના સ્ટાફ ને થતા તેઓ દોડી ગયા હતાં અને ત્યારબાદ યુનિવર્સિટી પોલીસને ઘટના મામલે જાણ કરવામાં આવી હતી. યુનિવર્સિટી પોલીસના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી.

સમગ્ર મામલે નીરૂબેનની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. નાઈટ ડ્યુટી માં ફરજ બજાવી રહેલા ડોક્ટર અંકુર પટેલ દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત દર્દીઓ જે પ્રકારે પોતાની હિંમત ગુમાવીને આપઘાત કરી રહ્યા છે તેના કારણે ગંભીર પ્રકારની ચિંતા ઉભી થઇ છે.