કારમાં એકલા જતી વખતે પણ માસ્ક પહેરી રાખવું જરૂરી: હાઇકોર્ટનો ચુકાદો
દિલ્હી હાઇકોર્ટના ન્યાયધીશ પ્રતિભા એમ. સિંઘે આ અંગે એકલા ડ્રાઇવ કરતા લોકોને દંડવા કે નહીં તે બાબતે દાખલ થયેલી અરજીના સંદર્ભે આવો નિર્ણય સંભળાવ્યો હતો.
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે દિલ્હી હાઇકોર્ટે મહત્તવપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે માસ્કને સુરક્ષા કવચ ગણાવતા કહ્યુ કે, જો કોઈ વ્યક્તિ એકલો જ કાર ડ્રાઇવકરે છે તો પણ તેણે માસ્ક પહેરવું જરૂરી છે. આ સાથે જ કોર્ટે કારના “જાહેર જગ્યા” કહી છે. હાઇકોર્ટે કહ્યુ કે, માસ્ક સુરક્ષા કવચની જેમ કામ કરે છે, જે કોવિડ-19નું સંક્રમણ રોકવા માટે મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોના વાયરસના વધી રહેલા કેસનો ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાત્રે 10 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે.
દિલ્હી હાઇકોર્ટે આ આદેશ એકલા વાહન ચલાવતી વખતે માસ્ક નહીં પહેરવાના દંડને પડકારતી અરજીના સંદર્ભમાં આપ્યો હતો. કોર્ટે આ અરજી ફગાવતા કહ્યું હતુ કે, કોરોના વાયરસ મહામારી વખતે માસ્ક એક સુરક્ષા કવચ છે. જજ પ્રતિભા એમ સિંઘે આ અંગે એકલા ડ્રાઇવ કરતા લોકોને દંડવા કે નહીં તે બાબતે દાખલ થયેલી અરજીના સંદર્ભે આવો નિર્ણય સંભળાવ્યો હતો.
“જો તમે કારમાં એકલા છો તો માસ્ક પહેરવામાં વાંધો શું છે? આ તમારી સુરક્ષા માટે છે. કોરોના મહામારી વધારે વકરી છે. કોઈ વ્યક્તિએ રસી લીધી હોય કે ન લીધી હતો, તેણે માસ્ક પહેરવું જોઈએ. સામાન્ય રીતે કાર જ્યારે ટ્રાફિક સિગ્નલ પર ઊભી રહે છે ત્યારે ડ્રાઇવર કારનો ગ્લાસ નીચે ઉતારતો હોય છે. કોરોના વાયરસ એટલો ચેપી છે કે તે આ સમયે પણ લાગી શકે છે. કોઈ પણ તેનાથી સંક્રમિત થઈ શકે છે,” તેમ કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું હતું.