રાજ્ય સરકારે માસ્ક ન પહેરતા લોકો પાસેથી 114 કરોડનો અધધ… દંડ વસૂલ્યો

0
101

રાજ્ય સરકારે માસ્ક ન પહેરતા લોકો પાસેથી 114 કરોડનો અધધ… દંડ વસૂલ્યો.

ફક્ત અમદાવાદમાં જ 30 કરોડ દંડ વસૂલાયો: રાજકોટ મહાનગરપાલિકા હોવા છતાંય તેના કરતાં વધારે દંડ મહેસાણા, ખેડા, ભાવનગર અને કચ્છમાં વસૂલવામાં આવ્યો હોવાની સરકારની કબૂલાત

અમદાવાદ: માસ્ક ના પહેરનારા પાસેથી 1,000 રુપિયા દંડ લેવાના મુદ્દે હવે રાજકીય ઘમાસાણ શરુ થયું છે.

હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં કોંગ્રેસ દ્વારા કયા શહેરમાં કેટલા લોકો પાસેથી દંડ વસૂલાયો તેની માહિતી માગવામાં આવી હતી.

જેના જવાબમાં સરકારે રજૂ કરેલા આંકડામાં સૌથી વધુ દંડ અમદાવાદ અને સુરતમાં ઉઘરાવાયો છે.

જોકે, આશ્ચર્યજનક રીતે રાજકોટનો નંબર આ લિસ્ટમાં છેક આઠમા સ્થાને છે.

રાજકોટમાં કુલ જેટલો દંડ વસૂલાયો છે, તેના કરતાં તો તેનાથી ઓછી વસ્તી ધરાવતા ખેડા, મહેસાણા, ભાવનગર અને કચ્છમાં વધુ દંડની વસૂલાત કરાઈ છે.

સરકારે આજે કયા જિલ્લામાં 31 ડિસેમ્બર 2020 સુધીમાં કેટલો દંડ વસૂલવામાં આવ્યો તેના આંકડા વિધાનસભામાં રજૂ કર્યા હતા.

જે અનુસાર, અમદાવાદમાં 5,04,282 લોકો પાસેથી દંડ પેટે કુલ 30 કરોડ, સાત લાખ, 32 હજાર 840 રુપિયાનો દંડ વસૂલાયો હતો. જ્યારે બીજા ક્રમે સુરત આવે છે, જ્યાં અમદાવાદથી અડધાથી પણ ઓછા 2,37,116 લોકો પાસેથી દંડ પેટે 11 કરોડ, 88 લાખ, બે હજાર 100 રુપિયા દંડ પેટે વસૂલવામાં આવ્યા હતા.

નવાઈની વાત એ છે કે, રાજ્યના વડોદરા, રાજકોટ જેવા મહાનગરો કરતાં ખેડામાંથી વધુ લોકો પાસેથી માસ્ક ના પહેરવા બદલ દંડ વસૂલવામાં આવ્યો છે.

સરકારી આંકડા અનુસાર, ખેડામાં 1,51,077 લોકો પાસેથી દંડ પેટે 8 કરોડ 78 લાખ 59 હજાર 600 રુપિયા વસૂલવામાં આવ્યા હતા. જ્યારે વડોદરામાં 1,37,978 લોકો પાસેથી 9 કરોડ, 66 લાખ, 63 હજાર 300 રુપિયાનો દંડ વસૂલાયો હતો.

વડોદરા પછીના ક્રમે મહેસાણા, ભાવનગર અને કચ્છ આવે છે, જ્યાંથી અનુક્રમે 94,989, 90,656 અને 88,306 લોકો પાસેથી દંડ પેટે અનુક્રમે રુ. 5,05,45,200, 4,24,43,200 અને 3,30,48,300 રુપિયા વસૂલવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં છેક આઠમા નંબરે રહેલા રાજકોટમાં માત્ર 80,306 લોકો પાસેથી માસ્ક ના પહેરવા બદલ દંડ વસૂલવામાં આવ્યો હોવાનું સરકારે જણાવ્યું છે.

આ લોકો પાસેથી ઉઘરાવાયેલા દંડની રકમ 2,79,91,600 રુપિયા જેટલી થવા જાય છે. રાજ્યના 33 જિલ્લામાં 31 ડિસેમ્બર 2020 સુધીમાં કુલ 23 લાખ, 31 હજાર, 068 લોકો પાસેથી માસ્ક ના પહેરવા બદલ દંડ પેટે 114 કરોડ, 12 લાખ, 79 હજાર, 780 રુપિયા વસૂલવામાં આવ્યા હતા.