જામનગરમાં કોરોના પ્રતિરોધક રસીકરણની સઘન ઝુંબેશ હાલ સુધીમાં 7786 વરિષ્ઠ નાગરિકો અને 918 કો-મોર્બીડ નાગરિકોએ રસી લઈ કોવિડને હરાવવા આપ્યો સહકાર
લાલપુરના 102 વર્ષીય માણુંબાએ રસી લીધી, અન્યને પણ આપી પ્રેરણા સીથી કોઈ તકલીફ નથી, અન્ય પણ રસી લેવા આગળ આવે : માણુંબેન કગથરા
જામનગર,વૈશ્વિક મહામારી કોરોના સામે લડત આપવા હાલ સંપૂર્ણ ભારત દેશમાં રસીકરણની મહાઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી. હાલ બીજા તબક્કામાં 60 વર્ષથી વધુનાવરિષ્ઠ નાગરિકો તેમજ 45 થી 59 વર્ષ દરમિયાનના કો-મોર્બીડ સ્થિતિ ધરાવતા નાગરિકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
જામનગર જિલ્લામાં આ બીજા તબક્કામાં વરિષ્ઠ નાગરિકોનો ખૂબ સહકાર જોવા મળી રહ્યો છે.
1 માર્ચથી શરૂ થયેલ બીજા તબક્કાના રસીકરણ ઝુંબેશમાં હાલ સુધીમાં જામનગર જિલ્લાના 7786 વરિષ્ઠ નાગરિકો અને 918 કો-મોર્બીડ સ્થિતિ ધરાવતા નાગરિકોએ રસી લઈ આ મહામારી સામે લડતમાં સહયોગ આપ્યો છે.
જેમાં 61 વર્ષથી લઈ અને 100 વર્ષથી વધુના વયોવૃદ્ધ નાગરિકોનો પણ સમાવેશ છે.
લાલપુરના 102 વર્ષીય માણુંબા એટલે કે માણુંબેન કાનજીભાઈ કગથરાએ રસી મુકાવી અને પોતાની તળપદી ભાષામાં અન્યને પ્રેરણા સંદેશ આપતા જણાવ્યું હતું કે, કોરોના એ બધાને ખૂબ હેરાન કર્યા છે.
આ રસીથી કોરોના વયો જશે, આ રસીથી મને કોઈ તકલીફ થઈ નથી ત્યારે બીજાએ પણ આ રસી લેવી જોઈએ.
તો લાલપુરના જ રહેવાસી 80 વર્ષીય ભીમજીભાઇ ભાલાણી અને તેમના પત્ની કાંતાબેન ભાલાણીએ આજે સજોડે વેક્સીન લઈ કહ્યું કે, કોરોનાને કારણે બધા હેરાન થયા,આ રસીથી હવે કોઈ હેરાન નહીં થાય.અમે રસી લીધી અને બીજાએ પણ રસી લેવી જોઈએ.
રસીકરણ ઝુંબેશ અંગે વિસ્તૃત જાણકારી આપતા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી લાલપુર ડો. કે. એન. કુડેચાએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કામાં અફવા અને ગેરસમજણના કારણે લોકોમાં ભય અને ખૂબ ખચકાટ હતો. પરંતુ ડોકટરો, આરોગ્યકર્મીઓ અને આશાવર્કર બહેનો દ્વારા લોકોને સમજૂત કરવામાં આવ્યા છે અને હાલ પણ આશા બહેનો દ્વારા ઘરે-ઘરે સર્વે કરી વરિષ્ઠ નાગરિકોને સમજૂત કરવામાં આવી રહ્યા છે. વળીરસી લીધેલ નાગરિકો થકી અન્યોને પ્રેરણા મળી અને રસી લીધેલ લોકોને કોઈ આડઅસર ન થતા, તેમણે આસપાસના લોકોને પણ વધુ સમજૂત કર્યા. આમ આજે એક જાગૃતિલક્ષી સાંકળના પ્રયત્નોથી સમાજમાંથી રસીકરણ માટે સહકાર અને લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે.
લાલપુર તાલુકામાં રસીકરણની ઝુંબેશને ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો છે, હાલ સુધીમાં 972 જેટલા વરિષ્ઠ નાગરિકો જેમાં 80 વર્ષથી ઉપરના વયોવૃદ્ધોનો પણ સમાવેશ થાય છે તેમણે ઉત્સાહપૂર્વક રસી લીધી છે.
આ રોગ દ્વારા વધુ અસરકર્તા વર્ગ વરિષ્ઠ નાગરિકોનો જોવા મળ્યો છે ત્યારે મહામારી સામે લડત આપવા અને પોતાને સુરક્ષિત બનાવવા જામનગર જિલ્લામાં આ બીજા તબક્કાની રસીકરણ ઝુંબેશને વધુ સઘન અને ઘનિષ્ઠ બનાવવામાં આવી છે.
આ રસી લેવા માટે વરિષ્ઠ નાગરિકો આરોગ્ય સેતુ એપ અથવા તો કોવિન દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકશે.આ ઉપરાંત જો કોઈ વરિષ્ઠ નાગરિકને રજીસ્ટ્રેશન અંગે કોઈ તકલીફ હોય તો તત્કાલ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા તો સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી દરેક મૂંઝવણના અંત સાથે રસી લઈ શકશે. તો માણુંબાની વાતને યાદ રાખીએ જામનગરવાસીઓ… કોઈ તકલીફ નથી કોઈ આડઅસર નથી તો, માણુંબાની વાતને માનીએ અને વધુને વધુ આપણે રસીકરણ ઝુંબેશમાં જોડાઈને જામનગરને સુરક્ષિત બનાવવામાં સહકાર આપીએ.