ખંભાળિયાના વેપારીને વ્યાજે પૈસા આપનાર શખ્સ સામે પોલીસ કાર્યવાહી.

0
468

ખંભાળિયાના વેપારીને વ્યાજે પૈસા આપનાર શખ્સ સામે પોલીસ કાર્યવાહી.

રૂા.2.39 લાખના ચાર મહિને રૂ. 14.63 લાખ માંગ્યા..!

ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ ઉપર છેલ્લા આશરે અડધી સદી જૂની પેઢી ધરાવતા પરેશ ટ્રેડિંગ કંપની નામનો શોરૂમ ધરાવતા અને અત્રે શ્રીજી સોસાયટી વિસ્તારમાં રહેતા નિલેશકુમાર બાબુલાલ કુંડલીયાના 25 વર્ષીય પુત્ર અભી કુંડલીયા દ્વારા મોજ-શોખ જેવા ચોક્કસ કારણોસર અત્રે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અમીત ભીમભાઈ મોવર નામના એક શખ્સ પાસેથી રૂપિયા 2,38,750 ની રકમ વ્યાજે લેવામાં આવી હતી.

ગત તા. 3 ફેબ્રુઆરી 2021 ના રોજ લેવામાં આવેલી આ રકમ સામે અમિત મોવર દ્વારા આ રકમની વ્યાજનો તોતિંગ હિસાબ અભીના પિતાને આપી, રૂપિયા 14, 62,500 ની માંગણી કરી હતી. આમ, અભીને અમિત દ્વારા આપવામાં આવેલી રકમની ખોટી પેનલ્ટી તેમજ રોજના દસ ટકા કે રોજના દસ હજાર રૂપિયા જેવી ગણતરી સાથે પઠાણી વ્યાજ સહિતની મોટી રકમ માટે આરોપી શખ્સ દ્વારા ફરિયાદી અભીના પિતા પાસે માંગવામાં આવી હતી. આટલું જ નહીં, આરોપી શખ્સ દ્વારા ફરિયાદી અભી જો આ રકમ નહીં આપે તો તેને વાડીએ ઉપાડી જવાની ધાક ધમકી આપી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવને ખંભાળિયા પોલીસે અભી કુંડલિયાની ફરિયાદ પરથી અમિત મોવર સામે આઇ.પી.સી. કલમ 507, 506 (2) તથા નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો નોંધી અહીંના પી.આઈ. વી.વી. વાગડીયાના વડપણ હેઠળ એ.એસ.આઇ. જે.પી. જાડેજા દ્વારા અમિત મોવરની અટકાયત કરી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર બનાવે ખંભાળિયા શહેર તથા વેપારી વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.