રાજયમાં લોકડાઉન લાદવા મુદ્દે હાઇકોર્ટમાં રાજય સરકારે આપ્યો જવાબ…
લોકડાઉન વિકલ્પ નથી, ગરીબ માણસોને ઘણી તકલીફો પડશે
સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી રહ્યા છીએ. ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે, પણ બાકી રાજ્યો કરતા સારું કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ.
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વકર્યો છે. રોજ કોરોનાના કેસ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે સુઓ મોટો કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી શરૂ કરી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે તેને જોતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં આવી શકે તેવી અટકળો પણ થઈ છે. દરમિયાન રૂપાણી સરકારે આજે હાઈકોર્ટમાં કહ્યું લોકડાઉનનો વિચાર નથી.લોકડાઉન વિકલ્પ નથી. ગરીબ માણસોને ઘણી તકલીફો પડશે. સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી રહ્યા છીએ.
ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે, પણ બાકી રાજ્યો કરતા સારું કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ.
ચીફ જસ્ટિસે કહ્યું, તમે કહો છો એ ઠીક છે પણ સ્થિતિ ખરાબ છે. તમે જે ચિત્ર બતાવો છો એને જોતા અમે આજે આ બેન્ચ બોલાવવાની જરૂર નથી એવું લાગે. પણ એવું નથી સ્થિતિ ખરાબ છે. બીજા રાજ્યોમાં શું ચાલે છે એની સરખામણીના કરો. ગુજરાતમાં શું થઈ રહ્યું છે એની ચિંતા કરવાની જરૂર છે.
અમે કેન્દ્ર સરકારને પણ કહીશું કે દેશભરની સાથે ગુજરાતમાં પણ જરૂર હોય તેમાં મદદ કરે.
અત્યારે સામાન્ય માણસને ટેસ્ટ કરાવવાનો થાય તો ત્રણ દિવસે ટેસ્ટ થાય છે અને પાંચ દિવસ રિપોર્ટ આવે છે,આવી સ્થિતિ શા માટે. તમારે મારે કે સરકારી વકીલને ટેસ્ટ કરાવવા હોય તો કદાચ એક દિવસમાં કરી આપતા હશે પણ સામાન્ય માણસને આજે પણ ત્રણ ત્રણ દિવસ રાહ જોવી પડે છે. શું આપને આ ખબર છે?
ગુજરાતમાં હજુ પણ એવા તાલુકાઓ અને જગ્યાઓ છે જ્યાં ટેસ્ટ નથી થતા. દરેક મહામારી ઓછામાં ઓછી ત્રણ વર્ષ ચાલી હોય આવો ઇતિહાસ છે એટલે કોરોના મહામારી ક્યારે જશે એ હાલ કહી શકાય નહીં. રસીના બે ડોઝ લીધા પછી પણ મૃત્યુ થયું હોય તેવા કિસ્સાઓ છે. રસી મદદ ચોક્કસ કરે છે પણ તકેદારી રાખવી જરૂરી છે.