ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં લેવા વાલીઓની માગ

0
246

ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં લેવા વાલીઓની માગ

ઓલ ગુજરાત વાલી મંડળે પત્ર લખીને સીએમ રૂપાણીને રજૂઆત કરી : ધો. 9 અને 11ના મુખ્ય ત્રણ વિષયોની પરીક્ષા ઓનલાઇન લેવા રજૂઆત.

અમદાવાદ: રાજયમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જેના કારણે ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનાને બદલે જૂનમાં લેવાની માગ સાથે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. ઉપરાંત ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવા તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા ઓનલાઈન લઈને બાકીના વિષયો ગુણ પ્રથમ સત્રાંતના મૂલ્યાંકન પરથી આપી દેવાની રજૂઆત કરી છે.

કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સંક્રમણ હજી વધશે તેવી ભીતિને પગલે બોર્ડની પરીક્ષા પાછળ ઠેલવા માગ કરવામાં આવી છે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને પરિસ્થિતિ વિકટ છે. મૃત્યુદર દિવસે ને દિવસે વધતો જાય છે. જેને જોતાં હાલમાં 10 મેથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો તથા સ્કૂલનો સ્ટાફ સંક્રમિત થાય તેવી દહેશત છે.

બીજી લહેરમાં કોરોના બાળકોને શિકાર બનાવી રહ્યો છે. હાલ હોસ્પિટલમાં પિડીયાટ્રિક વોર્ડ ઊભો કરવાની ફરજ પડી રહી છે. જેથી વાલી મંડળની માગણી છે કે ધોરણ 10 અને 12ની પરીક્ષા જૂન માસમાં લેવામાં આવે. ઉપરાંત વૈકલ્પિક વિષયોની પરીક્ષા પણ બાળક જે સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યાં જ જૂન માસમાં લેવામાં આવવી જોઈએ. દર વર્ષે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ દરેક વિદ્યાર્થીઓને રહેમ રાહે પાસ કરી દેવામાં અને કોઈ બાળકનું ભવિષ્ય ન બગડે તે માટે પણ વાલી મંડળે રજૂઆત કરી છે.