દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારના અડ્ડાઓ પર પોલીસની તવાઇ: 20ની ધરપકડ.

0
107

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારના અડ્ડાઓ પર પોલીસની તવાઇ: 20ની ધરપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક: ખંભાળિયા :

ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં ગત રાત્રીના સમયે સ્થાનિક પોલીસ સ્ટાફના કોન્સ. મનીષભા કેર તથા હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન આ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા માંડણભા ડુડાભા સુમણીયા, રાજેશ પોલાભાઈ સોલંકી, ભીમજી કાનજીભાઈ સીણોજીયા નામ ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા ઝડપી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 10,110/ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાણવડથી આશરે નવ કિલોમીટર દૂર ત્રણ પાટિયા વિસ્તારમાં વરલી મટકાના આંકડા વડે જુગાર રમી રહેલા શિવા ગામના વિનોદ ભગવાનજીભાઈ સિસોદિયા નામના ત્રીસ વર્ષના આહીર યુવાનને પોલીસે રૂપિયા દસ હજારના એક મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 11,550/- ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.

ભાણવડ તાલુકાના વેરાડ ગામેથી હિરેન આત્મારામભાઈ ગોંડલીયા નામના બાવાજી શખ્સને વરલી નો જુગાર રમતા રૂપિયા 3,250 રોકડા તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 11,250/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ભાણવડના ત્રણ પાટીયા વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે આઝાદનગર ખાતે રહેતા અને વાણંદ કામ કરતા વિપુલ હસમુખભાઈ જોટંગીયા નામના 39 વર્ષના યુવાનને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઈ, મોબાઇલ સહીત કુલ રૂ. 11,150 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દ્વારકાની એક હોટલ પાસેથી સ્થાનિક પોલીસે આદમખાન જમાલખાન પઠાણ અને સુરેશભાઈ પ્રાણજીવનભાઈ પોપટ નામના બે શખ્સોને ચલણી નોટના નંબર વડે એકી- બેકીનો જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂપિયા 1,720/- નો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

દ્વારકાના રેતવા પાડો વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે માલીબેન હીરાભાઈ માંગલીયા, જમુબેન પાલાભાઈ માંગલીયા, દેવીબેન ઘેલાભાઈ કારાણી, માયાબેન હેમતભાઈ કાપડી અને પાલાભાઇ વેજાભાઈ માંગલિયા નામના પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈ, કુલ રૂપિયા 1,480 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

મીઠાપુર તાબેના ભીમરાણા ગામે એક મંદિર પાસેથી સ્થાનિક પોલીસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા જીવીબેન નરશીભાઇ લોઢારીયા, વાલુબેન છગનભાઈ સોલંકી, શાંતુબેન ખીમજીભાઈ મોતીવરસ અને ગીતાબેન ભાવસંગભા માણેક નામના ચાર મહિલાઓને ઝડપી લઈ, કુલ રૂપિયા 2,690 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખંભાળિયા શહેરમાં એક શાળાની પાછળ ભર બપોરે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા દેવા ઘેલાભાઈ ચૌહાણ, જયેશ નાથાભાઈ ચૌહાણ, સંજય અશોકભાઈ ત્રિવેદી અને રામજી ભુજાભાઈ રોસીયા નામના ચાર શખ્સો રૂપિયા 2,100ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.