ખંભાળિયા પંથકમાં વધુ એક સાયબર ક્રાઇમ: સોશ્યલ મીડિયમાં ફેંક આઈ.ડી. બનાવી બદનામ કરનાર શખસ સામે ફરિયાદ.
ખંભાળિયા: ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા શિરેશ્વર નગર ખાતે રહેતા કલ્પેશ પરાગભાઈ કણજારીયા નામના 20 વર્ષીય યુવાને અત્રે ધરમપુર વિસ્તારમાં રહેતા પ્રફુલ રાજેશભાઈ નકુમ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર ચોક્કસ આઈડી મારફતે બદનામ કરવાનું કૃત્ય કર્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી કલ્પેશ દ્વારા પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી પ્રફુલ કે જે ચોક્કસ નામથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવતો હોય, તેણે પોતાની ઓળખ છુપાવીને અલગ નામથી ફરિયાદીના એકાઉન્ટ જેવા ભળતા નામથી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી અને આ એકાઉન્ટ દ્વારા તેમને બદનામ કરવાના ઈરાદાથી ફરિયાદી તથા અન્ય પરિવારજનોના એકાઉન્ટમાં જેમ ફાવે તેમ બિભત્સ ગાળોના મેસેજ મોકલ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયાના પી.આઈ. વી.વી.વાગડિયા દ્વારા આરોપી અંગેની ચોક્કસ કડીઓ મેળવી અને આઈ.પી.સી. કલમ 501, 504 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ મુજબ આરોપીની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.