કાલાવડના ખીમાણી સણોસરામાં ક્ષત્રિય યુવાનની હત્યાથી ચકચાર.
દગો ના થયો કોઈનો સગો
ગામની સીમમાં હત્યાના બનાવથી ચકચાર
ચાર શખસોએ કાવતરૂ રચી યુવાનનું ઢીમ ઢાળી દીધું!
આરોપીની બહેનનો મૃતક સાથે પ્રેમ સંબંધની ખબર પડતા ક્ષત્રિય યુવાનનું ચારેય શખસોએ વાડી કામ તમામ કરી નાંખ્યું!
દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ ખીમાણી સણોસરા ગામમાં એક ક્ષત્રિય યુવાનની હત્યાના બનાવથી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ચાર આરોપીમાંથી ક્ષત્રિય યુવાનને ગામની સીમમાં આવેલ વાડીએ બોલાવી જીવલેણ હુમલો કરી મોતને ઘાટને ઉતારી દેવાયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
આ ચકચારી ઘટનાની પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, મુળ છોટા ઉદેપુર ગામના રહેવાસી હાલ ખીમાણી સણોસરામાં નીર્મળસિંહ દિલાવરસિંહ જાડેજાની વાડીમાં રહેતા અને વાડીએ કામ કરતા હોય સવજીભાઇ માધાભાઇ બારીયાનાયક, ગુંજીબેન સવજીભાઇ બારીયાનાયક (3)સીમીબેન ભાવેશભાઇ બારીયાનાયક અને નાનીબેનસવજીભાઇ બારીયાનાયકે કાવતરૂ રચીને મહાવીરસિંહ ઉર્ફે મુન્નો રવુભા જાડેજા (ઉ.વ.-38)નામના યુવાનની હત્યા નિપજાવી દીધી હતી.
આ અંગેની વધુ જાણવા મળતી માહિતી પ્રમાણે, મહાવીરસિંહ ઉર્ફે મુન્નો રવુભા જાડેજા (ઉ.વ.-38) વાળા વિરમભાઇના મિત્ર થતા હોય જેથી તેની સાથે અવાર નવાર વાડીએ જવાનુ થતુ હોય જે દરમ્યાન મહાવીરસિંહ તથા આરોપી યુવતિ નાનીબેન વચ્ચે આશરે છેલ્લા છએક માસથી પ્રેમ સબંધ થઇ ગયેલ હોય જે પ્રેમ સબંધ તેના ઘરનાઓને ખબર પડી ગયેલ હોય જેથી આરોપીઓએ એક સંપ કરી મહાવીરસિંહ ને મારી નાખવાનુ ગુનાહીત કાવતરૂ રચ્યુ હતું.
નાનીબેન તથા મૃતક મહાવીરસિંહ જાડેજા તા.10/04/2021 ના બોપોરના આશરે બેએક વાગ્યે વાડીએ મળેલ ત્યારે નાનીબેને મહાવીરસિંહને આજેરાત્રે વાડીએ કોઇ છે નહી તમારે મળવા આવવુ હોય તો આવજે તેવી વાત કરી હતી.
ત્યારે મહાવીરસિંહ રાત્રીના સાડા આઠેક વાગ્યે યુવતિને મળવા પહોંચ્યા હતા, જયાં ચારેય આરોપીઓ પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હોય અને તમામ આરોપીઓએ મહાવીરસિંહ જાડેજાને જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી નાળા(રસ્સી) દ્વારા પીપળાના ઝાડ સાથે બાંધી ગેરકાયદેસર અટકાયત કરી તમામ આરોપીઓએ લાકડાના ધોકા વડે મરણજનારને આશરે સતત અડધો કલાક જીવલેણ રીતે માર માર્યો હતો. હત્યા કરવાના ઇરાદાથી ચારેય આરોપીઓએ માર મારતા મહાવીરસિંહ જાડેજાનું મૃત્યુ નિપજયું હતું.
આ બનાવ અંગે ચારેય આરોપીઓ વિરૂઘ્ધ ધ્રુવરાજસિંહ ઉર્ફે ભોલાભાઇ સુખદેવસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઇ.પી.કો કલમ . કલમ-120(બી),302, 504,341 તથા જી.પી.એકટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પો.સબ.ઇન્સ એચ.વી.પટેલ (કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે.જી.જામનગર) ચલાવી રહ્યા છે.