નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બનશે: વિધાનસભા અધ્યક્ષપદ માટે ફોર્મ ભર્યું

0
227

નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બનશે: વિધાનસભા અધ્યક્ષપદ માટે ફોર્મ ભર્યું

ગાંધીનગર :ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.

નીમાબેન આચાર્યએ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને હાલ રાજ્યના કેબીનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

પરંપરા અનુસાર વિપક્ષ પોતાનો કોઈ ઉમેદવાર અધ્યક્ષપદ માટે નહી ઉભો રાખે, આથી નીમાબેન આચાર્ય નિર્વિરોધ વિધાન સભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવશે એ નક્કી છે.

આ સાથે જ ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં નીમાબેન આચાર્ય પ્રથમ મહિલા સ્પીકર બનશે. વિપક્ષની સહમતિ સાથે અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ થશે.

રાજ્યના નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ એવા ડો.રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ ગુજરાત વિધાનસભાનું સ્પીકર પદ ખાલી છે.

જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાય એ પહેલા જ ગત 20 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી ડો.નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ જ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બનશે.
ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજી વાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017 માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.