લખન પરમારે પોતાનું જીવન ટૂંકાવી ને અન્ય ત્રણને જીવતદાન આપતો ગયો
માતા-પિતા અને મંગેતર નો અંગદાન માટે નો ખુબ જ મહત્વનો નિર્ણય: અનેક લોકોએ અભિનંદન આપ્યા
જામનગર તા ૧૮, જામનગરના ખવાસ જ્ઞાતિનો આશાસ્પદ યુવાન લખન પરમાર કેજે પોતાની ટૂંકી ઝીંદગી છોડીને ચાલ્યો ગયો છે,
પરંતુ પોતાના શરીરના અવયવો મારફતે અન્ય ત્રણ વ્યક્તિઓ માં જીવિત રહ્યો છે, અને અલગ-અલગ ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.
લખન ના માતા પિતા તેમજ મંગેતર દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો.
જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં લખન દિનેશભાઇ પરમાર અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈનડેડ જાહેર કરાયા પછી અને તેના અંગોનું દાન કર્યા પછી માત્ર ૨૭ વર્ષની ઉંમરે જ તેને મૃત જાહેર કરાયો હતો. લખનનું મૃત્યુ થયું છે. પરંતુ અન્ય ત્રણ વ્યક્તિઓ માં પોતે જીવિત રહ્યો છે. જેની બે કીડની અને લિવરનું દાન કર્યા પછી બ્લડ ગ્રુપ મેચ કરીને અમદાવાદ ની ટીમ દ્વારા અન્ય ત્રણ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી ત્રણ વ્યક્તિને નવજીવન અપાયા છે.
લખન પરમાર ના માતા-પિતા હર્ષિદાબેન અને દિનેશભાઈ ઉપરાંત તેની મંગેતર હેમાલી સોઢા કે જેઓ અકસ્માતના બનાવથી લઈને આજદિન સુધી લખન પરમાર ની સારવાર માટે ખડેપગે રહ્યા હતા. અને જ્યારે હવે તેનું જીવન શક્ય ન હતું ત્યારે અમદાવાદના તબીબોની સલાહ મુજબ અન્ય લોકોમાં જીવિત રહેવા માટેનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્રણેએ આ બાબતે સહમતી આપી દીધા પછી ગઈ કાલે મોડી રાત્રે અંગદાન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, અને સાડા ચાર કલાક સુધી ઓપરેશન ની પ્રક્રિયા ચાલુ રહી હતી. જે દરમિયાન માતા પિતા અને મંગેતર આંખનું મટકું માર્યા વિના ઓપરેશન થિયેટરની બહાર ખડે પગે હાજર રહ્યા હતા, અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જેઓ ના આ નિર્ણયને મૃતકના સગા સંબંધીઓ અને અન્ય મિત્ર વર્તુળ વગેરે હર્ષ ભેર વધાવી લીધો હતો.