ફરસાણના વેપારીની સામૂહિક આત્મહત્યાએ જગાવી ચકચાર: પરિવારના ત્રણ સભ્યોએ ઝેર પી અનંતની વાટ પકડી..

0
693

દેવભૂમિમાં સામૂહિક આત્મહત્યાએ જગાવી ચકચાર: પરિવારના ત્રણ સભ્યોએ ઝેર પી અનંતની વાટ પકડી..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા: દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અને છૂટક ફરસાણ અંગેના વ્યવસાય સાથે સંકળાયેલા જયેશભાઈ જશવંતભાઈ જૈન નામના 60 વર્ષીય વૃદ્ધ બે દિવસ પહેલા કોરોનાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વયોવૃદ્ધ મોભી જયેશભાઈએ ગત રાત્રીના આશરે દોઢેક વાગ્યે અંતિમ શ્વાસ ખેંચતા સવારે તેમના પરિવારજનો દ્વારા જયેશભાઈની અંતિમ વિધિ કરવામાં આવી હતી. મૃતકના 57 વર્ષીય ધર્મપત્ની સાધનાબેન તથા 35 વર્ષના પુત્ર દુર્ગેશભાઈ અને 39 વર્ષના પુત્ર કમલેશભાઈ દ્વારા આજરોજ સવારે તેમના અગ્નિદાહની વિધિ સંપન્ન કર્યા બાદ સવારે આશરે સાડા છ વાગ્યે ઘરે પહોંચ્યા હતા.

આ પછી બંધ રહેલા મકાનમાં નિત્યક્રમ મુજબ દૂધ દેવા માટે દૂધવાળાએ ઘર ખોલ્યું ત્યારે તેમને આ સ્થળે ત્રણ મૃતદેહ પડયા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ત્રણેય મૃતદેહ જયેશભાઈના ધર્મપત્ની સાધનાબેન, તથા દુર્ગેશભાઈ અને કમલેશભાઈના હોવાનું જાહેર થયું હતું.

આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા દ્વારકાના પી.આઈ. જી.આર. ગઢવી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર જોતા આ ત્રણે વ્યક્તિઓએ ઘરના મોભીના અવસાનથી વ્યથિત થઈ અને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. પોલીસે આ ત્રણેય પરિવારજનોના મૃતદેહનો કબ્જો મેળવી અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. આ કરુણ બનાવે સમગ્ર દ્વારકા પંથકમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.