જામનગર જીલ્લાની કોવિડ સ્થિતિ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ.

0
578

જામનગર જીલ્લાની કોવિડ સ્થિતિ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

ગ્રામીણ ક્ષેત્રે સઘન આરોગ્ય તપાસ અને આઇસોલેશનની વ્યવસ્થાઓ મજબુત કરવા તાકીદ કરતા મંત્રી શ્રી આર.સી.ફળદુ

કોરોના સંકટમાંથી સમાજને હેમખેમ ઉગારવા સમાજનો પણ વિવિધ ક્ષેત્રે સહયોગ મળી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરતા રાજ્યમંત્રીશ્રી ધર્મેદ્રસિંહ જાડેજા

જામનગર, મંત્રી શ્રી આર.સી. ફ્ળદુના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જામનગર જિલ્લાની કોવિડ સ્થિતિ અંગેની સમીક્ષા બેઠકોયોજાઇ હતી.જે બેઠકમાં રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા અને શહેર તથા જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સંવાદ કરી જામનગર જિલ્લામાં કોવિડની સ્થિતિને નિયંત્રિત કરવા અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.

બેઠકમાં મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે હાલ આપણે સૌ કોવિડની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે સંવાદ થકી સામે આવતા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવું એ આજના સમયની માંગ છે.કઈ રીતે આ કપરા સમયમાં ઓછામાં ઓછી માનવ ખુવારી થાય અને વધુમાં વધુ લોકોને શ્રેષ્ઠતમ સેવા મળી રહે તે દિશામાં સૌએ કામગીરી હાથ ધરવા મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું.અને સમાજના સૂચનો અને લોકોની જરૂરિયાતને ધ્યાને લઈ સત્વરે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.તેમજ જિલ્લાના ગ્રામીણ તથા નગરપાલિકા વિસ્તારોમાં આરોગ્ય સેવા સુદ્રઢ બને તેમજ આરોગ્ય વિભાગની ટીમો ગ્રામીણ ક્ષેત્રે ઘરે ઘરે જઈ લોકોની આરોગ્ય તપાસ કરે અને પોઝિટિવ દર્દીઓને તાત્કાલિક અસરથી અલગ તારવી તેમને આઇસોલેટ કરે તે અંગે તાકીદ કરી હતી.હાલના તબક્કે લોક જાગૃતિ તથા લોક ભાગીદારી ખૂબ મહત્વની છે.આ કામગીરીમાં જો લોક ભાગીદારી ભળસે તો ધાર્યું પરિણામ મળી શકશે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રીશ્રી ધર્મેદ્રસિંહ જાડેજાએ આ તકે કોરોના સંકટમાંથી સમાજને હેમખેમ ઉગારવા સમાજનો પણ વિવિધ ક્ષેત્રે સહયોગ મળી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.સાથે સાથે જિલ્લામા ઓક્સિજનની સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા માટે તંત્રને સુચન કર્યુ હતુ તેમજ ડીનશ્રી સાથે જી.જી.હોસ્પિટલની વ્યવસ્થાઓ અંગે જરૂરી ચર્ચા કરી સમીક્ષા કરી હતી.

જામનગર શહેરી વિસ્તારની કોવિડ સ્થિતિ અંગેનો ચિતાર રજૂ કરતાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે હાલ 3190પોઝિટિવ દર્દીઓમાંથી 2591દર્દીઓ હોમ આઇસોલેટ છે.જેમનું આરોગ્ય ટીમ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.મહાનગરપાલિકા દ્વારા હોમ આઇશોલેશનમાં રહેલા દર્દીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે દિશામાં સતત કામગીરી શરૂ છે.શહેરમાં મેડિકલ તથા પેરા મેડિકલ સ્ટાફની અછતને પહોંચી વળવા નવી નિમણુંકો અંગે કાર્યવાહી કરાઈ રહી છે.

શહેરમાં 18ધન્વંતરિ રથો રોજે રોજ વિવિધ વિસ્તારોમાં ફરી લોકોની આરોગ્ય સેવા સુનિશ્ચિત કરી રહ્યા છે.જે વિસ્તારોમાં વધુ કેસો નોંધાયા છે ત્યાં માસ કેમ્પેઇન હાથ ધરી વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.7 સંજીવની રથ, 18ધન્વંતરિ રથ તેમજ 108એમ્બ્યુલન્સના સહયોગથી લોકોને ઘરે જ સારવાર ઉપલબ્ધ કારવાઈ રહી છે.હાલ રેપીડ એન્ટીજન તેમજ િિાંભટિેસ્ટ મળી દૈનિક 3500જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.તેમજ જિલ્લા કલેક્ટરશ્રીના સહયોગથી બનાવવામાં આવેલી 14જેટલી ટીમો શહેરમાં સતત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરાવવા કાર્યરત છે.સાથે સાથે શહેરમાં વેકસીનેશન, ઓક્સિજન ની સ્થિતિ, જરૂરી દવાઓ વગેરે અંગેની વિગતો પુરી પાડી હતી.આ તકે કમિશનરશ્રીએ વધુમાં વધુ સમાજ તેમજ સામાજિક સંસ્થાઓને કોવિડ મહામારીમાં પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા અપીલ કરી હતી.
જિલ્લાના ગ્રામીણ તથા નગરપાલિકા વિસ્તારો અંગેની કોવિડ સ્થિતિ વિશે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં 1418એક્ટિવ કેસ છે જેમાંથી 1145દર્દીઓ હોમ આઇસોલેટ છે જયારે 273દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.મુખ્યમંત્રીશ્રીના સૂચન મુજબ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 9પી.એચ.સી. ખાતે 173બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.સાથે સાથે 130બેડ ઓક્સિજન સાથેના પણ તાકીદે ઉભા કરવામાં આવ્યા છે.તેમજ દરેક ગામોમાં આઇશોલેશન સેન્ટર ઉભા કરવા અંગેની પ્રક્રિયા હાલ શરૂ છે તેમ જણાવી ધન્વંતરિ રથ, વેકસીનેશનની કામગીરી, ઓક્સિજનની સુવિધા, ટેસ્ટીંગ તથા આવશ્યક દવાઓની સ્થિતિ અંગેની વિગતો પુરી પાડી હતી.

બેઠકમાં ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રેમડેસેવીર ઇન્જેક્શન, ઓક્સિજન, જરૂરી દવાઓ, આરોગ્ય કેન્દ્રો ખાતે આઇશોલેશન બેડની સંખ્યા વધારવી સહિતના સૂચનો મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યા હતા.

મંત્રીશ્રી આર.સી. ફળદુ તથા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પદાધિકારી તથા અધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરાયેલ કોવિડ નિયંત્રણ અંગેની રજૂઆતો તથા સૂચનો સાંભળ્યા હતા અને સત્વરે સૂચનો પરત્વે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજને આ સ્થિતિમાંથી ઉગારવો એ આપણો ધર્મ અને આપણું ઉત્તર દાયિત્વ છે.આપણે પૂર્ણ નિષ્ઠાથી આપણી ફરજ નિભાવશું તો ચોક્કસપણે આ મહામારી પર વહેલી તકે વિજય મેળવી શકીશું.
પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથેની બેઠક બાદ મંત્રીશ્રી ફળદુએ જી. જી. હોસ્પિટલના આરોગ્ય અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.જેમાં ડીન શ્રીમતી નંદિની દેસાઈ દ્વારા હોસ્પિટલમાં ઓક્સિજનની સ્થિતિ, બેડની સંખ્યા, આવશ્યક દવાઓ સહિતની બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં મેયર શ્રી બીનાબહેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઇ ચનિયારા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઇ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઇ હિંડોચા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેંદ્ર સરવૈયા, શહેર પ્રાંત અધિકારી શ્રી આસ્થા ડાંગરતથા જિલ્લા અને શહેરના અન્ય પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.