ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળની અરજીઓ હવે ઓનલાઈન પોર્ટલ iORA પર રજૂ કરવાની રહેશે.
જામનગર તા. ૨૯ એપ્રિલ, ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 હેઠળની અરજી નિયત નમૂનામાં જરૂરી વિગતો દર્શાવી કલેક્ટર કચેરીને ટપાલથી કે રૂબરૂ રજૂ કરવા અંગે અરજદારોને જાણ કરાઈ હતી.
પરંતુ હાલ સરકારશ્રીના આદેશ અનુસાર અરજદારોએ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) ૨૦૨૦ તેમજ તેના કાયદા હેઠળની અરજી ઓનલાઈન પોર્ટલ IORA (integrated online revenue application) પર એટલે કે iora.gujarat.gov.in પર કરવાની રહેશે તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
IORA પર અરજી બાબતે અરજદારોએ નીચે મુજબની કાર્યપધ્ધતિ અનુસરવાની રહેશે.
અરજદારે iora.gujarat.gov.in પર “ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ હેઠળની અરજી” તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
અરજદારને જરૂરી માહિતીના આદાન-પ્રદાન માટે અરજદારના મોબાઈલ નંબર તથા ઈ-મેઇલનું રજીસ્ટ્રેશન/વેરિફિકેશન કરાવવાનું રહેશે.
રજીસ્ટ્રેશન બાદ ઓનલાઈન અરજી માટે જરૂરી વિગતો ભરવાની રહેશે તથા અરજીના આધાર એવા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કર્યા બાદ નિયત ફી રૂ.૨૦૦૦ ઓનલાઇન જમા કરાવવાની રહેશે.
ઓનલાઈન અરજી બાદ સહીવાળી અસલ અરજી તથા અન્ય દસ્તાવેજો કલેકટર કચેરી ખાતે દિન-૪ માં જમા કરાવવાના રહેશે.