કોરોનાં સંક્રમિતોનો ઇલાજ કરનારી પ્રાયવેટ હોસ્પિટલોનું તબીબી અને આર્થિક ઓડીટ કરાવો : યુવા કોંગ્રેસ-એનએસયુઆઇ.

0
426

કોરોનાં સંક્રમિતોનો ઇલાજ કરનારી પ્રાયવેટ હોસ્પિટલોનું તબીબી અને આર્થિક ઓડીટ કરાવો : યુવા કોંગ્રેસ-એનએસયુઆઇ.

દેશ દેવી ન્યુઝ જામનગર.
ગુજરાતમાં કોરોના મહામારીના સમયમાં સંક્રમિતોની સારવાર કરનાર ખાનગી હોસ્પિટલો દ્વારા વસુલ કરાયેલા લાખો રૂપિયાના બીલ મામલે રાજય સરકાર દ્વારા કોવિડ-19 ખાનગી હોસ્પિટલોનું મેડીકલ અને ફાયનાન્સીયલ ઓડીટ કરાવે તેવી માંગણી સાથે આજે જામનગરમાં યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌશિફખાન પઠાણ, પ્રદેશ મંત્રી શકિતસિંહ જેઠવા, એન.એસ.યુ.આઇ.ના મહિપાલસિંહ જાડેજા વગેરેએ કલેકટર કચેરી પર આવેદન પત્ર પાઠવ્યું હતું.

કેટલાક લોકો અને હોસ્પિટલો એવી છે કે જેને કોરોના મહામારીની આફતને અવસરમાં પલટાવી દેવા મનફાવે તેમ દર્દીઓના લૂટ્યાના અનેક કિસ્સાઓ દર્દીઓ પાસેથી જાણવા મળતા હોય છે, નીતિ નિયમોને નેવે મુકીને આડેધડ ચાર્જ વસુલ કરનાર અમુક પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ખૂબ મોટાપ્રમાણમાં બીલ ચૂકવવા પડ્યા હોય આ અંગે ગુજરાત સરકાર દ્વારા કમિટી રચી મેડિકલ ફાઇનાન્સીયલ ઓડીટ કરવાની માંગ સાથે યુવક કોંગ્રેસ અને એનએસયૂઆઇ દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે.

યુવક કોંગ્રેસ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં કોવીડની આ બીજી લહેરમાં અસંખ્ય લોકોએ હોસ્પીટલોમં દાખલ થવું પડયું હતું. ગુજરાત સરકારે કેટલીક બાબતોનું આર્થિક નિયંત્રણ કર્યું હોવા છતાં હોસ્પીટલોમાં લોકોને ખૂબ મોટા પ્રમાણમાં બીલ ચુકવવા પડયા છે.

જયારે કોઇ પેટ્રોલપંપ પર નિયત પેટ્રોલના ભાવ રૂા.90 હોય અને પેટ્રોલપંપ 1 રૂપિયો પણ વધારે લે તો તેની સામે બ્લેક માર્કેટીંગની ફરિયાદ થઇ શકતી હોય છે. જો કોઇ વેપારી વસ્તુ ઉપર છાપેલી કિંમત કરતાં 1-2 રૂપિયા વધુ લે તો પણ તેની સામે ફરિયાદ કરી શકાય છે. આવી અનેક બાબતો છે જેમાં ખોટું કરનાર વ્યક્તિ/ વેપારી/ સંસ્થા સામે તપાસ માગી શકાયઅને તે તપાસ કરવામાં આવતી હોય છે.

કોવિડ હોસ્પિટલોમાં આ બીજી લહેર દરમિયાન એવું જોવામાં આવ્યું કે હોસ્પિટલમાં જે બેડ (પથારી) 1500 થી 2000રૂ. ના દિવસના ચાર્જથી મળતી હતી તે ચાર્જ વધારીને હોસ્પિટલોએ 15000 થી 25000 સુધી ચાર્જ વસુલ્યો હતો. હોસ્પિટલના બેડનું ભાડું કોવીડને કારણે 10 થી 15 ગણું વધી જાય તે બાબત આશ્ચર્યજનક છે.

કોવિડની બીમારીમાં કેન્દ્ર સરકારે નિયત ગાઈડ લાઈન અને પ્રોટોકોલ આપેલા હતા.

હોસ્પિટલોએ આ પ્રોટોકોલની ઉપરવટ થઇ પોતાને અનુકુળ આવે તેમ સ્ટીરોઇડ, રેમડેસીવર સહિત જુદા જુદા પ્રકારની ટ્રીટમેન્ટ કરી દર્દીઓના સગાઓ પાસેથી મોટા પ્રમાણમાં પૈસા પડાવ્યા હોય તેવો અહેસાસ સામાન્ય નાગરિકને કેટલીક હોસ્પિટલોમાં થયો હતો.

આ ઉપરાંત દર્દીઓ દાખલ કરવામાં પણ જે વધુ નાણા આપે તેને પ્રોયોરીટી આપવામાં આવી હતી તેવી લાગણી દર્દીના સગાઓ વ્યકત કરી રહયા છે. અને કોવિડ હોસ્પિટલોને રાજય સરકારના કલેકટર દ્વારા વેન્ટીલેટરો આપવામાં આવ્યા હતા, આ વેન્ટીલેટર સરકારી હોવા છતાં ડોકટરોએ આ વેન્ટીલેટર પોતાના હોય તેવી રીતે દર્દીઓ પાસેથી વેન્ટીલેટરના ચાર્જ વસુલ્યા હતા. એક ડોકટર એક દર્દીને વીઝીટમાં આવે તો તેની પાસેથી 2000 થી 5000 રૂ. હોસ્પિટલની અંદર કરવાની વીઝીટના વસુલતા હતા. અનેક લોકોએ અવસાન પામેલા દર્દીઓની ડેડબોડી લેવા માટે ઘર અથવા તો ઘરેણા ગીરવે મુકીને હોસ્પિટલોની ફી ચૂકવી છે.

ગુજરાતમાં કોવિડ હોસ્પિટલોના ડોકટરોએ ખરેખર આવું કર્યું છે કે કેમ તે બાબતની તપાસ કરવી જોઇએ.

આ માટે જે દર્દીઓ પોતાના દાખલ કરવામાં આવેલા સગાની ચુકવવામાં આવેલ ફી અંગે તપાસ કરાવવા માંગતા હોય તેની વિગતો જે તે શહેરના જીલ્લા કલેકટરને મોકલાવી આપે. ત્યારબાદ સરકાર દ્વારા એકસપર્ટ લોકોની તપાસ સમિતિ મારફતે સમગ્ર બીલ અને દર્દીને કરવામાં આવેલી સારવાર, તેના કરવામાં આવેલા જુદા જુદા રીપોર્ટસ વગેરે કેન્દ્ર સરકારે જાહેર કરેલ કોવિડ-19 ના પ્રોટોકોલ મુજબ યોગ્ય હતા કે કેમ તેનો અહેવાલ મેળવવો જોઈએ.

કોરોનાના આ સમયમાં જે નર્સ અને પેરામેડીકલ સ્ટાફે પોતાની જાનની પરવા કર્યા વગર 24 કલાક કામ કર્યું છે.

હોસ્પિટલો દ્વારા આ નર્સિંગ અને પેરામેડીકલ સ્ટાફને પૂરતા પ્રમાણમાં અને યોગ્ય વળતર મળ્યું છે કે નહિ તેની પણ તપાસ કરી આ વળતર યોગ્ય મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કોરોના વોરીયર્સની કામગીરીને યોગ્ય સન્માનિત કરી શકાય.

આ તકે જામનગર યુવક કોંગ્રેસનાં પ્રમુખ ડો.તોસિફખાન પઠાન, ગુજરાત યુવક કોંગ્રેસના મંત્રી શકિતસિંહ જેઠવા, એનએસયુઆઇ જામનગરનાં પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, કરનસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ, ચિરાગ જીંજુવાડીયા, જીગરભાઇ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.