કલ્યાણપુરમાં મેર યુવાન ઉપર ઘાતક હુમલો કરી, ધાડ પડતા ત્રણ અજાણ્યા સહિત કુલ છ શખ્સો સામે ફરિયાદ.
ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે શુક્રવારે મોડી સાંજના સમયે હથિયારો સાથે ધસી આવેલા છ શખ્સો દ્વારા એક યુવાન તથા તેના પિતરાઈભાઈ ઉપર તલવાર સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઈજાઓ પહોંચાડવા ઉપરાંત ધાડ પાડી, તેઓના હથિયારો લઈ જવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુરથી આશરે ચોવીસ કિલોમીટર દૂર ચંદ્રાવાડા ગામે રહેતા વેજાભાઈ ભીખુભાઈ મોઢવાડિયા નામના આશરે 38 વર્ષના યુવાન શુક્રવારે મોડી સાંજના સમયે ગામના બસ સ્ટેન્ડ સર્કલ પાસે હતા, ત્યારે આ સ્થળે પોરબંદર તાલુકાના બરખલા ગામના રહીશ સંજય દેવશી ઓડેદરા અને આશિષ દેવશી ઓડેદરા તથા વાછોડા ગામના રહીશ દિલીપ જીવા ગોઢાણિયા નામના ત્રણ શખ્સો અન્ય ત્રણ અજાણ્યા શખ્સોને સાથે લઈ અને તલવાર તથા કુહાડી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા.
આરોપી સંજય તથા આશિષ ઓડેદરાના ચંદ્રાવાડા ગામે રહેતા મામા સામત નગાભાઈ કેશવાલાએ આશરે બે વર્ષ પૂર્વે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત સંદર્ભે આરોપી શખ્સો દ્વારા વેજાભાઈ મોઢવાડીયા ઉપર શંકા રાખી, બંને ભાઈઓએ તલવારો વડે તથા દિલીપ ગોઢાણિયાએ કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેમને ફ્રેકચર સહિતની ગંભીર ઇજા પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપી દ્વારા ફરિયાદી વેજાભાઈના પિતરાઈ ભાઈ એવા સાહેદ વણઘા વિસા મોઢવાડિયાને પણ તલવારનો ઘા મારી, ઈજાઓ પહોંચાડી હતી.
આ સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ફરિયાદીની સ્વરક્ષણની 32 બોરની રિવોલ્વર તથા પાક રક્ષણની બાર બોર ડબલ બેરલ ગનની લૂંટ કરી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.
આમ, આપઘાત અંગેના જુના બનાવ સંદર્ભે આરોપીઓ દ્વારા બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત ફરિયાદી વેજાભાઈની હત્યા નિપજાવવાના પ્રયાસ સાથે પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ધાડ પાડવામાં આવતાં આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ત્રણ અજાણ્યા સહિત કુલ છ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 307, 323, 324, 325, 504, 506 (2), 395, 34 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી સ્થાનિક પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.